Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

પાકિસ્તાનમાં નહીં યોજાય એશિયા કપ

શ્રીલંકામાં આયોજીત કરાવવા પાક.બોર્ડ તૈયાર : પાકિસ્તાનની ટીમ બે સપ્ટેમ્બરના રોજ ઈંગ્લેન્ડથી પાછી આવશે અને સપ્ટેમ્બર અથવા ઓકટોબરમાં ટૂર્નામેન્ટ રમાય તેવી શકયતા

કરાંચી, તા. ૨૫ : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ વસીમ ખાને કહ્યું છે કે, આ વર્ષે એશિયા કપનું આયોજન શ્રીલંકા અથવા સંયુક્ત આરબ અમીરાતમાં (યૂએઈ) પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ કરવામાં આવશે. આઈપીએલના લીધે એશીયા કપ રદ્દ કરવામાં આવી શકે તેવી અટકળોને ફગાવી દીધી છે.

વસીમ ખાને કહ્યું કે એશિયા કપનું આયોજન થશે. પાકિસ્તાનની ટીમ બે સપ્ટેમ્બરના રોજ ઈંગ્લેન્ડથી પાછી આવશે અને અમે સપ્ટેમ્બર અથવા ઓકટોબરમાં ટૂર્નામેન્ટનું આયોજન કરી શકીએ છીએ. કેટલીક બાબતો યોગ્ય સમય પર જ સ્પષ્ટ થઈ શકશે. અમને એશિયા કપના આયોજનની આશા છે, કારણ કે શ્રીલંકામાં કોરોના વાયરસના વધુ કેસ નથી. જો તે આ આયોજન ન કરી શકે તો પછી યૂએઈ આયોજન કરવા તૈયાર છે.

આ ટૂર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને મળી છે. પાકિસ્તાન એશિયા કપનું શ્રીલંકામાં આયોજન કરવા પર સહમત થઈ ગયું છે. તેમણે પુષ્ટી કરતા કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટી-૨૦ વિશ્વકપનું આયોજન ના થાય તો ઓક્ટોબર-નવેમ્બરમાં ક્રિકેટ શ્રેણી રમવાના વિકલ્પો પર કામ કરી રહ્યું છે. ખાને કહ્યું કે અમારે ડિસેમ્બરમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસ પર જવાનું છે અને તે પહેલા ઝિમ્બાબ્વેની યજમાની કરવાની છે. દક્ષિણ આફ્રિકામાં બે અથવા ત્રણ ટેસ્ટ અને કેટલીક ટી૨૦ મેચો માટે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પાકિસ્તાનનો પ્રવાસ માટે તૈયાર છે.

(3:54 pm IST)