Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

કેપટાઉનમાં એક વેઇટરના કારણે વિરાટ કોહલી શરમમાં મુકાયોઃ હાથ લંબાવ્યો તો વેઇટર એંઠી પ્લેટ ઉઠાવવા લાગ્યો

કેપટાઉનઃ ભારતીય સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી સાથે ફોટા પડાવવા અને હાથ મિલાવવા માટે ક્રિકેટરસિકો ઉત્‍સુક હોય છે ત્‍યારે કેપટાઉનમાં વિરાટ કોહલી શરમજનક સ્‍થિતિમાં મુકાઇ જતા ભારે રમૂજ પ્રસરી હતી.

વિરાટ કોહલીને તાજેતરમાં જ અમેરિકન વેબસાઈટ ESPNના સૌથી પોપ્યુલર 100 એથલિટની લિસ્ટમાં સ્થાન મળ્યું છે. તે આ લિસ્ટમાં 11મા સ્થાને છે અને ભારતનો સૌથી પ્રખ્યાત ખેલાડી છે. કોહલીએ આ વેબસાઇટને આપેલા ઈન્ટરવ્યુમાં ઘણા ખુલાસા કર્યા. અહીં વાત કરતા તેણે જણાવ્યું કે, કેવી રીતે તાજેતરમાં ખેડેલા સાઉથ આફ્રિકાના પ્રવાસમાં એક વેઈટરે તેને દંગ કરી દીધો અને તે શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગયો.

કોહલીએ જણાવ્યું કે, કેપટાઉનમાં તેણે સાથી ક્રિકેટર્સ સાથે લંચ લીધું. આ દરમિયાન એક વેઈટરે તેની સાથે હાથ મિલાવ્યો અને કહ્યું કે, તે વિરાટની રમતને ખૂબ પસંદ કરે છે. આ દરમિયાન બીજો એક વેઈટર ત્યાં પહોંચ્યો અને પોતાના હાથ આગળ વધાર્યો. સામે કોહલીએ હાથ મિલાવવા માટે હાથ આગળ વધાર્યો ત્યારે તે વેઈટર એંઠી પ્લેટ ઉઠાવવા લાગ્યો. આ જોઈને સાથી ક્રિકેટરો જોરજોરથી હસવા લાગ્યા.

કોહલીનું કહેવું છે કે, ‘મારા સાથીઓ ખૂબ જ હસી રહ્યાં હતા. હું પણ ખૂબ હસ્યો હતો. મને ઘણી શરમ અનુભવાઈ. તેણે મારા હાથ તરફ જોયું પણ નહીં.આ ઈન્ટરવ્યુમાં જ કોહલીએ કહ્યું કે, તે લોકોથી દૂર રહેવાનું પસંદ કરે છે કારણ કે આજકાલ લોકો માત્ર સેલ્ફી લેવા માટે જ પાસે આવતા હોય છે. તેમને માત્ર પોતાના ફોટોના એંગલની જ ચિંતા હોય છે.

(5:30 pm IST)