Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

દોહા એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ : ભારતીય એથ્લીટ પી. યુ. ચિત્રાએ ૧,૫૦૦ મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યું

નવી દિલ્હી: ભારતીય એથ્લીટ પી. યુ. ચિત્રાએ ૧,૫૦૦ મીટરની દોડમાં શાનદાર દેખાવ કરતાં દોહામાં ચાલી રહેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ચિત્રાએ અગાઉ ભુવનેશ્વરમાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં આ જ ઈવેન્ટમાં સુવર્ણ સફળતા હાંસલ કરી હોતી અને અંહી તેણે ગોલ્ડ મેડલ જાળવી રાખ્યો હતો. ચિત્રાએ ૪ મિનિટ અને ૧૪.૫૬ સેકન્ડના સમય સાથે એશિયન એથ્લેટિક્સમાં જાપાન, ચીન, બહેરિન જેવા દેશોની ખેલાડીને પાછળ રાખીને પોતાની શ્રેષ્ઠતાનું પ્રમાણ આપ્યું હતુ. દોહામાં ચાલી રહેલી એશિયન ચેમ્પિયનશીપમાં ભારતનો આ ત્રીજો ગોલ્ડ મેડલ હતો. અગાઉ ભારતની ગોમથી મારિમુથુએ ૮૦૦ મીટરની દોડમાં અને તાજિન્દર સિંઘ તૂરે ગોળા ફેંકમાં સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ૧,૫૦૦ મીટરની દોડની પુરુષોની સ્પર્ધામાં ભારતના અજય કુમાર સરોજે રજત ચંદ્રક અપાવ્યો હતો. બહેરિનના રોટિચે ૩ મિનિટ અને ૪૨.૮૫ સેકન્ડના સમય સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે ભારતના અજય કુમાર સરોજ અને કતારનો મુસાબ અલી ૩ મિનિટ અને ૪૩.૧૮ સેકન્ડના સમય સાથે બરોબરી પર રહ્યા હતા. ફોટો-ફિનિશની સ્થિતિ બાદ આખરે જ્યુરીએ અજય કુમાર સરોજને સિલ્વર મેડલ અને મુસાબને બ્રોન્ઝ મેડલ આપવાનું નક્કી કર્યું હતુ. મિક્સ રિલેની ૪ બાય ૪૦૦ મીટરની ઈવેન્ટમાં ભારતના મુહમ્મદ અનસ, પૂવામ્મા એમઆર, વિ.કે. વિસ્માયા અને રાજીવ અરોકિયાની ટીમે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ભારતીય એથ્લીટ દુતિ ચંદે ૨૦૦ મીટરની દોડમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. દુતિએ ૨૩.૨૪ સેકન્ડનો સમય આપ્યો હતો. બહેરિનની સાલ્વા નાસેરને ૨૨.૭૪ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ અને કઝાખસ્તાનની ઓલ્ગા સાફરોનોવાને ૨૨.૮૭ સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ મળ્યો હતો. 

(5:35 pm IST)