Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

કુનમિંગ ઓપનમાં ટેનિસ સ્ટાર અંકિતા રૈનાની શાનદાર જીત

નવી દિલ્હી: ગુજરાતની આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્ટાર અંકિતા રૈનાએ ભૂતપૂર્વ યુએસ ઓપન ચેમ્પિયન એવી ઓસ્ટ્રેલિયાની સામંથા સ્ટોસુરને ત્રણ સેટના જોરદાર સંઘર્ષમાં ૭-૫, ૨-૬, ૭-૫થી હરાવીને કારકિર્દીનો યાદગાર વિજય મેળવી લીધો હતો. ડબલ્યુટીએની ૧૨૫કે લેવલની કુનમિંગ ઓપનમાં અંકિતાએ કારકિર્દીના યાદગાર વિજયની સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી અમદાવાદની ખેલાડી અંકિતાએ બે કલાક અને ૫૦ મિનિટના જબરજસ્ત મુકાબલામાં સ્ટોસુરને અપસેટનો શિકાર બનાવી હતી. વર્લ્ડ રેન્કિંગમાં ૧૭૮મો ક્રમાંક ધરાવતી અંકિતા સામે ત્રીજો સીડ ધરાવતી સામંથાએ સાત એસ ફટકાર્યા હતા. જ્યારે અંકિતાના માત્ર ત્રણ એસ હતા. જોકે અંકિતાના છ ડબલ ફોલ્ટની સામે વર્લ્ડ રેન્કિંગમાં હાલ ૭૭મો ક્રમાંક ધરાવતી સામંથા સ્ટોસુરે ૧૮ ડબલ ફોલ્ટ કર્યા હતા, જે તેની હારનુ કારણ બન્યા હતા. હવે અંકિતાનો મુકાબલો ચીનની ઝાંગ કૈલિન સામે થશે. ચાલુ મહિને જ અંકિતા ઈસ્તંબુલમાં યોજાયેલી ૬૦ હજાર ડોલરની આઇટીએફ ટુર્નામેન્ટમાં રનર્સ અપ રહી હતી. ગત વર્ષે તે સાનિયા મિર્ઝા અને નિરુપમા વૈદ્યનાથન બાદની ભારતની માત્ર ત્રીજી એવી મહિલા ખેલાડી બની હતી કે,તેણે ડબલ્યુટીએના સિંગલ્સ રેન્કિંગમાં ટોચના ૨૦૦ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું હોય. સામંથા સ્ટોસુર ૨૦૧૧માં સેરેનાને હરાવીને યુએસ ઓપન ચેમ્પિયન બની હતી. તે ડબલ્સમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન છે અને ડબલ્સમાં છ ગ્રાન્ડ સ્લેમ જીતી ચૂકી છે. 

(5:34 pm IST)