Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

ભારતીય ટીમે મહિલા ટી૨૦ વિશ્વકપની બીજી મેચમાં બાંગ્લાદેશને ૧૮ રનથી પરાજય આપ્યોઃ લેગ સ્પિનર પુનમ યાદવનું શાનદાર પ્રદર્શન

પર્થઃ ભારતીય ટીમે મહિલા ટી20 વિશ્વકપની પોતાની બીજી મેચમાં બાંગ્લાદેશને 18 રનથી પરાજય આપ્યો છે. 143 રનના લક્ષ્યનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 124 રન બનાવી શકી હતી. ભારત તરફથી એકવાર ફરી લેગ સ્પિનર પૂનમ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું અને 3 વિકેટ ઝડપી હતી. અરૂંધતિ રેડ્ડી અને શિખા પાંડેને 2-2 વિકેટ મળી હતી.

મહિલા ટી20 વિશ્વકપની પોતાની બીજી મેચમાં ભારતીય ટીમે બાંગ્લાદેશની સામે 143 રનનો લક્ષ્ય રાખ્યો હતો. ભારતીય ટીમે 20 ઓવરમાં 142/6 રન બનાવ્યા હતા. વેદા કૃષ્ણામૂર્તિ (20) અને શિખા પાંડે (7) અણનમ રહી હતી.

ભારતની ઓપનિંગ બેટ્સમેન તાનિયા ભાટિયા (2) અને શેફાલી વર્મા (39 રન, 17 બોલ, 4 છગ્ગા, 2 ચોગ્ગા) સિવાય કેપ્ટન હરમનપ્રીત કૌર (8), જેમિમા રોડ્રિગ્સ (34), ઋૃચા ઘોષ (14) અને દીપ્તિ શર્મા (11)ની વિકેટ ગુમાવી હતી. બાંગ્લાદેશ માટે કેપ્ટન સલમાન ખાતૂન (2/25) અને પન્ના ઘોષ (2/25)એ બે-બે વિકેટ ઝડપી હતી. આઈસીસી મહિલા ટી20 વિશ્વકપની પ્રથમ મેચમાં ભારતે વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 17 રનથી પરાજય આપ્યો હતો.

16 વર્ષની ઓપનિંગ બેટ્સમેન શેફાલી વર્માએ એકવાર ફરી ભારતને શાનદાર શરૂઆત આપી હતી. તેણે 17 બોલમાં 39 રન બનાવ્યા, જેમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા સામેલ છે. ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવેલી જેમિમા રોડ્રિગ્સે પણ 37 બોલમાં 34 રનનું યોગદાન આપ્યું હતું. સાતમાં નંબર પર વેદા કૃષ્ણામૂર્તિએ 11 બોલમાં અણનમ 20 રન ફટકારીને ભારતનો સ્કોર 140ને પાર પહોંચાડ્યો હતો. હવે ભારતીય ટીમ પોતાની ત્રીજી ગ્રુપ મેચમાં 27 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.

(4:32 pm IST)