Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

મહિલા ટી-20 વિશ્વ કપમાં મિતાલી રાજને ન લેતા વિવાદ

નવી દિલ્હી:ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારીને બહાર ફેંકાઈ હતી. હરમનપ્રીત કૌરની કેપ્ટન્સી હેઠળની ભારતીય મહિલા ટીમે ઈંગ્લેન્ડ સામેની સેમિ ફાઇનલમાં ટીમની સૌથી સિનિયર અને વિજયી ફોર્મ બતાવી ચૂકેલી બેટ્સમેન મિતાલી રાજને પ્લેઈંગ ઈલેવનમાં સમાવી નહતી. હવે ભારતની હાર થતાં મિતાલીની ગેરહાજરી અંગે  પ્રશ્નાર્થ સર્જાયો હતો. જોકે મેચ બાદ આ અંગે જવાબ આપતાં ભારતની કેપ્ટન હરમનપ્રીતે સ્પષ્ટ કરી દીધું હતુ કે, મિતાલીને પ્લેઈંગ ઈલેવનમાં ન સમાવવાનો નિર્ણય ટીમના હિતમાં લીધો હતો અને મને તે અંગે કોઈ અફસોસ નથી. હરમનપ્રીતના આ જવાબ બાદ ભારતીય મહિલા ટીમમાં પણ કેપ્ટન અને મિતાલી વચ્ચે આંતરિક ટકરાવ ચાલી રહ્યો હોવાનું મનાઈ રહ્યું છે. ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં જ હરમનપ્રીતનો મિતાલી તરફનું વિવાદિત વલણ જોવા મળ્યું હતુ. ટોપ ઓર્ડરની બેટ્સમેન મિતાલીને ન્યુઝીલેન્ડ સામેની મેચમાં પાંચ વિકેટ પડી ગઈ ત્યાં સુધી બેટીંગમાં ઉતારવામાં આવી નહતી. આ મેચમાં હરમનપ્રીતે સદી ફટકારી હતી અને ભારત જીત્યું હોવાથી કોઈનું ધ્યાન આ તરફ ગયું નહતુ. મિતાલીને તે મેચમાં બેટીંગમા ઉતારવામાં જ આવી નહતી. જોકે મિતાલીએ ત્યાર બાદ પાકિસ્તાન સામેની મેચમાં પોતાનું  ફોર્મ અને શ્રેષ્ઠતા સાબિત કરતાં ૫૬ રનની ઈનિંગ રમી હતી, જે ભારતીય ઈનિંગમાં હાઈએસ્ટ હતી. આ પછી આયરલેન્ડ સામેની મેચમાં પણ મિતાલી ૫૧ના સ્કોર સાથે ભારતીય ઈનિંગની હાઈએસ્ટ સ્કોરર રહી હતી. જોકે ઓસ્ટ્રેલિયા સામેની આખરી લીગ મેચમાં તેને પડતી મૂકવામાં આવતા આશ્ચર્ય ફેલાયું હતુ. ભારત તે મેચમાં જીતી જતા ટીમ સિલેક્શન અંગે પ્રશ્નાર્થ સર્જાયો નહતો, પણ સેમિ ફાઈનલ જેવી મેજર મેચમાં ભારત હારી જતાં મિતાલીની ગેરહાજરીનો મુદ્દ ઉછળ્યો હતો. 

(5:37 pm IST)