Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

મુંબઈમાં કોમેન્ટ્રી આપવા આવેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સનુ હાર્ટએટેકથી નિધન

52 ટેસ્ટ, 164 વનડે ઇન્ટરનેશનલ મેચોમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરનાર ડીન જોન્સનુ 56 વર્ષની વયે નિધન

મુંબઈ: ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ડીન જોન્સનું 59 વર્ષની ઉંમરે નિધન થયું છે તેઓનું મુંબઈમાં હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. IPL દરમિયાન ડીન જોન્સ મુંબઈમાં રહીને કોમેન્ટ્રી કરી રહ્યા હતા. હાલના સમયમાં સોશિયલ મીડિયા પર પણ જોન્સ ખૂબ જ એક્ટિવ રહેતા હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લીએ તેની માહિતી આપી.

ડીન જોન્સની  ઓસ્ટ્રેલિયાના મહાન ક્રિકેટર અને શ્રેષ્ઠ ફિલ્ડર તરીકે ગણના થતી હતી. તેમણે 52 ટેસ્ટ, 164 વનડે ઇન્ટરનેશનલ મેચોમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ટેસ્ટમાં 216 અને વનડેમાં 145 રન ડીન જોન્સનો સર્વોચ્ચ સ્કોર રહ્યો. રનિંગ બિટવીન ધ વિકેટમાં તેઓ ખૂબ જ કુશળ માનવામાં આવતા હતા અને ઝડપથી સિંગલ-ડબલ લઇ સ્ટ્રાઇક રોટેટ કરતા હતા.

તેમણે (Dean Jones) ટેસ્ટ ક્રિકેટમાં 46.55ની એવરેજથી 3631 રન કર્યા જેમાં 11 સદી અને 14 અડધી સદી સામેલ હતી. વનડે ઇન્ટરનેશનલમાં જોન્સે 44.61ની એવરેજથી 6068 રન કર્યા જેમાં 7 સદી અને 46 અડધી સદી સામેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં જોન્સે 34 અને વનડેમાં 54 કેચ પક્ડયા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની વાત કરીએ તો 245 પ્રથમ શ્રેણીમાં ડીને 19188 રન કર્યા, અણનમ 324 રન ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેમનું સર્વોચ્ચ સ્કોર રહ્યું.

જોન્સે ટેસ્ટ ક્રિકેટમાં બે બેવડી સદી ફટકારી જેમાં ભારત વિરુદ્ધ ચેન્નઈ (તે સમયનું મદ્રાસ)માં વર્ષ 1986માં રમાયેલી 210 રનની ઇનિંગ સામેલ છે.

(6:50 pm IST)