Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સ્પીડ સ્ટાર જસપ્રિત બુમરાહ આફ્રિકા સામે ટેસ્ટ ગુમાવશે

ઇજાગ્રસ્ત થતાં સમગ્ર ટેસ્ટ શ્રેણી ગુમાવશે : જસપ્રિત બુમરાહની જગ્યા ઉપર ઉમેશ યાદવનો સમાવેશ કરાયો : ટેસ્ટ શ્રેણીની શરૂઆત પૂર્વે ભારતને મોટો ફટકો

નવીદિલ્હી,તા.૨૪  : ટીમ ઇન્ડિયાના યુવા ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઇજાગ્રસ્ત થવાના કારણે આગામી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. આની સાથે જ ભારતીય ટીમને ટેસ્ટ શ્રેણી પહેલા મોટો ફટકો પડ્યો છે. ભારતીય ટીમ આફ્રિકા ટીમની સામે બીજી ઓક્ટોબરથી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમનાર છે. આ શ્રેણી ટેસ્ટ ચેમ્પિયનશીપના હિસ્સા તરીકે છે. વેસ્ટઇન્ડિઝમાં શાનદાર બોલિંગ કરનાર બુમરાહને જગ્યા મળી શકી નથી. બુમરાહ ઇજાગ્રસ્ત થયા બાદ પસંદગીકારોએ તેની જગ્યા પર ઉમેશ યાદવને તક આપી છે. બીસીસીઆઈ દ્વારા ટ્વિટર હેન્ડલ પર આ અંગેની માહિતી આપી છે.

               બીસીસીઆઈના કહેવા મુજબ જસપ્રિત બુમરાહને લોવર બેકમાં નાનકડી ઇજા થયેલી છે. સ્ટ્રેસ ફ્રેક્ચરની સ્થિતિ છે જેના લીધે બુમરાહ ગાંધી-મંડેલા ટેસ્ટ શ્રેણીમાં રમી શકશે નહીં. બુમરાહ આ ઇજા થયા બાદ સારવાર માટે એનસીએમાં સારવાર લેવા માટે પહોંચશે. આ ગાળા દરમિયાન બુમરાહ બીસીસીઆઈની મેડિકલ ટીમની બાજ નજર હેઠળ રહેશે. બુમરાહની આ ઇજા અંગેની માહિતી ખેલાડીઓમાં રૂટિન ચેકઅપ દરમિયાન જાણવા મળી હતી. ઉમેશ યાદવે ભારત તરફથી ઓસ્ટ્રેલિયાની સામે છેલ્લે ડિસેમ્બર ૨૦૧૮માં ટેસ્ટ મેચ રમી હતી. ઉમેશ યાદવ ભારત તરફથી ૪૧ ટેસ્ટ મેચ રમી ચુક્યો છે અને તેના નામ ઉપર ૪૩ રનની સરેરાશ સાથે ૧૧૯ વિકેટો છે. ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમ બીજી ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમમાં આ ટેસ્ટ શ્રેણીની શરૂઆત કરનાર છે. હાલમાં જ ટ્વેન્ટી શ્રેણી રમાઈ ચુકી છે. આ બંને ટીમોએ એક-એક મેચ જીતી હતી. ટેસ્ટ શ્રેણીને લઇને ભારે રોમાંચની સ્થિતિ પ્રવર્તી રહી છે.

               ટ્વેન્ટી શ્રેણીમાં બંને ટીમોએ જોરદાર દેખાવ કર્યો હતો. કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમમાં ઉમેશ યાદવની પસંદગી કરવામાં આવી છે. ટીમમાં શુભમન ગિલને પણ તક મળી છે. ટેસ્ટ શ્રેણીમાં રોહિત શર્માની વાપસી પણ થઇ છે. રહાણે વાઇસ કેપ્ટન તરીકેની ભૂમિકા અદા કરનાર છે. વેસ્ટઇન્ડિઝના પ્રવાસમાં હનુમા વિહારીનો દેખાવ સારો રહ્યો હતો જેથી તેના ઉપર વિશ્વાસ રાખવામાં આવ્યો છે. ટીમમાં મહાન ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ સામેલ કરવામાં આવેલા રિષભ પંતને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. તેનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. ભારતીય ટીમ નીચે મુજબ છે.

કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પુજારા, રહાણે, વિહારી, પંત, સહા, રવિચંદ્રન અશ્વિન, જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ સામી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા, શુભમન ગિલ.

ક્રિકેટ શ્રેણીનો કાર્યક્રમ

ટ્વેન્ટી બાદ ટેસ્ટ શ્રેણી રમાશે

નવીદિલ્હી,તા.૨૪ : ટીમ ઇન્ડિયાના યુવા ઝડપી બોલર જસપ્રિત બુમરાહ ઇજાગ્રસ્ત થવાના કારણે આગામી ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઇ ગયો છે. આની સાથે જ ભારતીય ટીમને ટેસ્ટ શ્રેણી પહેલા મોટો ફટકો પડ્યો છે. ભારતીય ટીમ આફ્રિકા ટીમની સામે બીજી ઓક્ટોબરથી ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમનાર છે. આ શ્રેણી ટેસ્ટ ચેમ્પિયનશીપના હિસ્સા તરીકે છે. વેસ્ટઇન્ડિઝમાં શાનદાર બોલિંગ કરનાર બુમરાહને જગ્યા મળી શકી નથી. બુમરાહ ઇજાગ્રસ્ત થયા બાદ પસંદગીકારોએ તેની જગ્યા પર ઉમેશ યાદવને તક આપી છે.

*   બીજી ઓક્ટોબરથી વિશાખાપટ્ટનમાં પ્રથમ ટેસ્ટ ( પ્રસારણ સવારે ૯.૩૦)

*   ૧૦મી ઓક્ટોબરથી પુણેમાં બીજી ટેસ્ટ મેચ ( પ્રસારણ સવારે ૯.૩૦)

*   ૧૯મી ઓક્ટોબરથી રાંચીમાં ત્રીજી ટેસ્ટ મેચ ( પ્રસારણ સવારે ૯.૩૦)

*   ૧૨મી માર્ચ ૨૦૨૦ના દિવસે ધર્મશાળામાં પ્રથમ વનડે મેચ

*   ૧૫મી માર્ચ ૨૦૨૦ના દિવસે લખનૌમાં બીજી વનડે મેચ

*   ૧૮મી માર્ચ ૨૦૨૦ના દિવસે કોલકત્તામાં ત્રીજી વનડે મેચ

(7:55 pm IST)