Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ:ગોળા ફેંક ઈવેન્ટમાં તાજિન્દર સિંઘ તૂરે ગોલ્ડ મેડલ જીત્યું

નવી દિલ્હી: દોહા એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ભારતને તાજિન્દર સિંઘ તૂરે પુરુષોની ગોળા ફેંક ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. જ્યારે સ્વપ્ના બર્મને એથ્લેટિક્સની જુદી-જુદી ઈવેન્ટ્સના કોમ્બિનેશન સમી હેપ્ટાથ્લોન ઈવેન્ટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. જોકે ભારતની દુતિ ચંદ ૧૦૦ મીટરની મહિલાઓની રેસમાં પાંચમા ક્રમે રહી હતી. જ્યારે જિન્સન જોન્સન પુરુષોની ૮૦૦ મીટરની દોડમાં ઈજાના કારણે ખસી ગયો હતો.ભારતે આ સાથે એશિયન એથ્લેટિક્સમાં બીજો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. અગાઉ ભારતની ગોમથી મારિમુથુએ ૪૦૦ મીટરની રેસમાં સુવર્ણ સફળતા હાંસલ કરી હતી. તાજિન્દર સિંઘ તૂરે ગોળા ફેંકની ફાઈનલમાં જબરજસ્ત દેખાવ કરતાં ૨૦.૨૨ મીટરના અંતર સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતુ. તાજિન્દર નેશનલ ચેમ્પિયન છે અને તેણે ભુવનેશ્વરમાં રમાયેલી એશિયન ચેિમ્પિયનશીપમાં પણ સફળતા હાંસલ કરી હતી.એથ્લેટિક્સની વિવિધ રમતોના કોમ્બિનેશન સમા હેપ્ટાથ્લોનમાં ભારતની સ્વપ્ના બર્મને કુલ ૫૯૯૩ પોઈન્ટ્સ સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. હેપ્ટાથ્લોનમાં ખેલાડીએ ૧૦૦ મીટરની વિધ્ન દોડ, ઊંચી કૂદ, ગોળા ફેંક, ૨૦૦ મીટરની દોડ, લાંબી કૂદ, ભાલા ફેંક અને ૮૦૦ મીટરની દોડમાં ભાગ લેવાનો હોય છે,જેમાં તેમને સફળતા પ્રમાણે પોઈન્ટ્સ આપવામાં આવે છે અને સૌથી વધુ પોઈન્ટ્સ મેળવનારા ખેલાડીને વિજેતા જાહેર કરવામાં આવે છે. મહિલાઓની ૧૦૦ મીટરની દોડમાં ભારતની દુતી ચંદ ૧૧.૪૪ સેકન્ડના સમય સાથે પાચમા ક્રમેરહી હતી. જ્યારે કઝાકિસ્તાનની ઓગ્લા સાફરોનોવાએ ૧૧.૧૭ સેકન્ડના સમય સાથે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ભાલા ફેંકની ઈવેન્ટમાં સુપરસ્ટાર ખેલાડી નીરજ ચોપરાની ગેરહાજરીમાં શિવપાલે ૮૬.૨૩ મીટરના અંતર સાથે સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ સાથે તેણે વર્લ્ડ ચેમ્પિયનશીપ માટેના ૮૩ મીટરના ક્વોલિફાઈંગ માર્કને પાર કર્યો હતો.

(5:29 pm IST)