Gujarati News

Gujarati News

News of Tuesday, 24th April 2018

સ્ટાઈલિશ દેખાવની શોખીન મીરાબાઈ ચાનુને શુટિંગમાં બનાવવી હતી કેરીઅર

દરરોજ ૨૨ કિ.મી.નો પ્રવાસ કરી સ્પોર્ટની સેન્ટર પહોંચતીઃ આગામી એશિયન ગેમ્સમાં ૨૦૦ કિલો વજન ઉપાડવાની ઈચ્છા

ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફિંટગમાં ગોલ્ડ મેડલ મેળવનારી મીરાબાઈ ચાનુને સ્ટાઈલિશ રહેવાનું ગમે છે અને તેથી તે શૂટિંગમાં કેરીઅર બનાવવા માગતી હતી, પણ કોચ અનિતા ચાનુને મળ્યા બાદ તેના જીવનની દિશા બદલાઈ થઈ હતી અને તે વેઈટલિફટર બની ગઈ હતી.

મીરાબાઈ મણિપુરની રાજધાની ઈમ્ફાલથી વીસ કિલોમીટર દૂર નોંગપોક કાકચિંગ ગામની ગરીબ પરિવારની દીકરી છે. તેણે ખૂબ નાની ઉંમરે નકકી કર્યું હતુ કે તે એક દિવસ ખેલાડી બનશે. કોચની શોધમાં તે ૨૦૦૮માં ઈમ્ફાલના ખુમાન લામ્પાક પહોંચી અને ત્યાંથી તેણે પાછું વાળીને જોયું નથી.

શા માટે તે શૂટિંગમાં કરીઅર બનાવવા માગતી હતી એનો ખુલાસો કરતાં મીરાબાઈ ચાનુએ કહ્યું હતું કે 'મારા બધા ભાઈઓ અને કઝિન ફુટબોલ રમતા હતા. તેઓ આખો દિવસ રમીને જયારે ઘરે આવતા ત્યારે મેલાઘેલા થઈને આવતા હતા. હું એવી રમત પસંદ કરવા માગતી હતી જેમાં હું સાફ રહી શકું. મેં જોયું કે શૂટરો એકદમ સ્ટાઈલિશ હોય છે અને ચોખ્ખા રહે છે. તેઓ ઊભા- ઊભા નિશાન તાકે છે અને તેથી મારે શૂટર બનવું હતું. મારો કઝિન મને સ્પોર્ટ્સ સેન્ટર લઈ ગયો, પણ મારી મુલાકાત કોઈ કોચ સાથે થઈ નહીં. ત્યાંથી અમે વેઈટલિફિટંગ સેન્ટરમાં ગયા. એ સમયે મેં કુંજરાની વિશે સાંભળ્યું હતું અને ત્યાં મારી મુલાકાત કોચ અનિતા ચાનુ સાથે થઈ ને તેમણે મને આ ગેમમાં કેરીઅર બનાવવા કહ્યુું.'

કરેઅરની શરૂઆતમાં પડેલી મુશ્કેલીઓ વિશે બોલતાં મીરાબાઈ ચાનુએ કહ્યું કે 'હું રોજ સવારે છ વાગ્યે સ્પોર્ટ્સ સેન્ટર પહોંચતી હતી. આ માટે મારે બાવીસ કિલોમીટરનો પ્રવાસ કરવો પડતો હતો અને રોજ બે બસ બદલવી પડતી હતી. શરૂમાં આ કઠણ લાગતું હતું, પણ પછી કોઈ પરેશાની થઈ નહી.'

કોમનવેલ્થ ગેમ્સમાં રેકોર્ડ બનાવ્યા બાદ તેની નજર હવે એશિયન ગેમ્સમાં ૨૦૦ કિલો વજન ઉપાડવા પર છે.

(4:33 pm IST)