Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્‍વામીના નામની પોસ્ટલ ટિકીટ જાહેર

મુંબઇઃ  ગત્ત વર્ષે મહિલા ક્રિકેટ વિશ્વકપમાં જ્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું ત્યારથી ભારતીય મહિલા ટીમનું કદ ઝડપથી વધી રહ્યું છે. આ વિશ્વકપની ફાઇનલમાં ભારતનો પરાજય થયો હતો, પરંતુ મહિલા ટીમે તેના પ્રદર્શનથી તમામના દિલ જીતી લીધા હતા.

આ વાતને જોતાં સરકાર તરફથી પણ મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે અને મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા માટે પોસ્ટલ ટિકિટ બહાર પાડી છે. મહિલા ક્રિકેટમાં સર્વાધિક વિકેટ ઝડપનાર ભારતીય મહિલા ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીના સન્માનમાં પોસ્ટલ ટિકિટ જાહેર કરવામાં આવી. ICC ક્રિકેટની વેબસાઇટ અનુસાર, કોલકત્તા સ્પોર્ટસ જર્નાલિસ્ટ ક્લબમાં આયોજીત એક સન્માન સમારોહમાં ઝુલનના નામની પોસ્ટલ ટિકિટ જાહેર કરવામાં આવી છે.

આ કાર્યક્રમ દરમિયાન ઝુલન અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી હાજર હતો. પાંચ રૂપિયાના મૂળ્યવાળી પોસ્ટલ ટિકિટ પર ઝુલનની સાતે વિક્ટોરિયા મેમોરિયલની તસ્વીર પણ છે. આ ડાક ટિકિટ ઝૂલનની ઉપલબ્ધિઓના સન્માનમાં જારી કરવામાં આવી છે.

35 વર્ષની ઝુલન આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ ઝડપી ચૂકી છે. તેના નામે 169 મેચોમાં 203 વિકેટ નોંધાયેલી છે. તેણે આ સિદ્ધિ આ વર્ષે ફેબ્રુઆરીમાં મેળવી હતી. ઝુલનને ગત વર્ષે વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરના નામે સન્માન મળ્યો હતો. આ ઉપરાંત 2007માં ICC ક્રિકેટર ઓફ ધ ઇયર બની હતી. 2007માં ICC વુમન્સ ક્રિકેટર ઓફ ધ ઇયર તરીકે પસંદ થયા બાદ તેને ટીમની કેપ્ટન બનાવવામાં આવી હતી. 2010માં તેને અર્જુન એવોર્ડ અને 2012માં પદ્મશ્રી એવોર્ડથી તેનું સન્માન કરવામાં આવ્યું હતું.

(8:06 pm IST)