Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ માટે નવા કોચની શોધખોળ શરૂ

નવી દિલ્હી: બોલ ટેમ્પરિંગ વિવાદના પગલે ઓસ્ટ્રેલિયાના કોચ તરીકે ભૂતપૂર્વ ક્રિકેટર ડેરૈન લેહમેને પણ રાજીનામું આપી દીધું હતુ. જેના કારણે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ હવે તેની ટીમના નવા કોચની તલાશ શુક્રવારથી શરૃ કરવા જઈ રહ્યું છે. કોચ તરીકે લેહમેનનું સ્થાન લેવા માટે ભૂતપૂર્વ ઓપનર જસ્ટીન લેંગર હોટફેવરિટ છે તેવી ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. જોકે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. લેંગર ઓસ્ટ્રેલિયાના બેટીંગ કોચ તરીકેની સેવા આપતો રહ્યો છે. અગાઉ મીડિયામાં એવી અટકળો પણ ચાલી હતી કે, ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રિકી પોન્ટીંગ તેમજ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેસન ગીલેસ્પી પણ કોચ બનવાની રેસમાં છે. ઓસ્ટ્રેલિયાનો લેજન્ડરી સ્પિનર શેન વોર્ન પણ કોચ બનવાની ખ્વાઈશ રજુ કરી ચૂક્યો છે. જોકે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે આ અંગે જાહેરાત કરી હતી કે, તેઓએ કોઈ ઉમેદવાર હજુ નક્કી કર્યો નથી. દરમિયાનમાં વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ જાહેરાત કરી દીધી છે કે, શુક્રવારે ઓસ્ટ્રેલિયાના નવા ચીફ કોચ તરીકે જસ્ટીન લેંગરના નામની જાહેરાત કરવામાં આવશે. લેંગરે ઓસ્ટ્રેલિયાની બીગ બેશ લીગમાં પર્થ સ્કોર્ચેર્સ તરફથી નોંધપાત્ર સફળતા મેળવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરીકે ઓળખાતા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી છે કે, ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના ચીફ કોચની જવાબદારી કોને સોંપવામા આવશે તેનો નિર્ણય શુક્રવારે યોજાનારી બોર્ડની મિટિંગમાં લેવામાં આવશે. અમે હજુ કોઈ નામ નિશ્ચિત કર્યું નથી. બોલ ટેમ્પરિંગ વિવાદમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે કેપ્ટન સ્મિથ, વોર્નર અને બૅનક્રોફ્ટને સજા ફટકારી છે. ખાસ કરીને સ્મિથ અને બૅનક્રોફ્ટે જે પ્રકારે મીડિયાની સામે રડતાં રડતાં માફી માગી તે જોયા બાદ ડેરૈન લેહમેને પણ રાજીનામાની જાહેરાત કરી હતી અને સાઉથ આફ્રિકા પ્રવાસ પુરો થતાં જ વિદાય લીધી હતી.

 

(5:32 pm IST)