Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ક્રિકેટર કૃણાલ પંડયા અને ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટોમ કુરન વચ્ચે ચકમક જરીઃ વિકેટકિપર જાસ બટલરે શાંત કરવા વચ્ચે પડયોઃ અમ્પાયરને ફરિયાદ થઇ

પુણે તા. ર૪ : ક્રુણાલ પંડ્યા (Krunal Pandya) નું આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં ડેબ્યુ એકદમ શાનદાર રહ્યું. તેણે 31 બોલમાં સાત ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 58 રન કર્યા. ક્રુણાલ વનડે ઈતિહાસમાં ડેબ્યુ દરમિયાન સૌથી ઝડપથી અડધી સદી ફટકારનારો બેટ્સમેન પણ બન્યો. ભારતની ઈનિંગ દરમિયાન જો કે એક પળ એવી પણ આવી કે જ્યારે ક્રુણાલ અને ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ટોમ કુરન વચ્ચે ખુબ ચકમક ઝરી. 

ટોસ હાર્યા બાદ ભારતીય ટીમ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. 49મી ઓવર આવતા આવતા તો કે એલ રાહુલ અને ક્રુણાલ ધમાકેદાર ઈનિંગ રમી ચૂક્યા હતા. ઈંગ્લેન્ડના બોલરોની પીટાઈ થઈ રહી હતી. ક્રુણાલ પંડ્યા જ્યારે એક રન લઈને નોન સ્ટ્રાઈક છેડ પહોંચ્યો તો ટોમ કુરેને તેને કઈંક કહ્યું. કુરેનની વાત સાંભળીને પંડ્યા ભડકી ગયો અને તેની પાછળ જઈને કઈક કહેવા લાગ્યો. વિકેટકિપર જોસ બટલરે બંને વચ્ચે પડી બચાવ કરવાની કોશિશ કરી. પછી ક્રુણાલ પંડ્યાએ અમ્પાયરને ટોમ કુરેનની ફરિયાદ કરી. ત્યારબાદ અમ્પાયરે ક્રુણાલને યેનકેન પ્રકારે શાંત કર્યો. 

ટોમ કુરેને પંડ્યાને શું કહ્યું તે તો હજુ ખબર પડી નથી. પણ ડગ આઉટમાં બેઠેલો કેપ્ટન વિરાટ કોહલી આ ઘટનાથી ખુબ પરેશાન જોવા મળ્યો. તેને ખબર નહતી પડતી કે આખરે થયું શું. 

હજુ એ સ્પષ્ટ નથી કે આખરે ક્રુણાલ અને કુરન વચ્ચે શું થયું. પરંતુ તે ઓવરમાં પહેલા એક બોલને અમ્પાયરે વાઈડ ગણાવ્યો હતો. કુરન તેનાથી નાખુશ જોવા મળ્યો હતો. બની શકે કે તેણે તે વખતે ક્રુણાલને કઈક કહ્યું હોય જેનો જવાબ તેણે પોતાના ફિફ્ટી રન પૂરા કર્યા બાદ આપ્યો હોય. પોતાની પહેલી વનડે રમી રહેલા ક્રુણાલે સૌથી ઝડપી ફિફ્ટી કરવાનો રેકોર્ડ તોડ્યો. તેણે ન્યૂઝીલેન્ડના જોન મોરિસનો રેકોર્ડ તોડ્યો જેણે પોતાની ડેબ્યુ મેચમાં 35 બોલમાં હાફ સેન્ચ્યુરી કરી હતી. 

(5:13 pm IST)