Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

અબુધાબીમાં આયોજીત સ્પેશિયલ ઓલમ્પિકમાં ગુજરાતના ખેલાડીઓ મેદાન માર્યુ : ચાર-ચાર ગોલ્‍ડમેડલ સહિત અ..ધ..ધ.. ૧૮ મેડલો મેળવ્‍યા

નવી દિલ્હીઃ હાલમાં અબુધાબીમાં સમાપ્ત થયેલા સ્પેશિયલ ઓલમ્પિકમાં ભારતનો ડંકો વાગ્યો હતો. ભારતે આ ઈવેન્ટમાં કુલ 368 મેડલ જીત્યા હતા. જેમાં ગોલ્ડ 85, સિલ્વર 154 અને બ્રોન્ઝ- 127નો સમાવેશ થાય છે. ભારતના કુલ 284 જેટલ ખેલાડીઓએ આ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના કુલ 16 ખેલાડીઓ (7 યુવતીઓ, 9 યુવકો) આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અબુધાબી ગયા હતા. જેમાં ગુજરાતને કુલ 18 મેડલ મળ્યા છે.

મહત્વનું છે કે, સ્પેશિયલ ઓલમ્પિકનું આયોજન 14થી 21 માર્ચ દરમિયાન થયું હતું. જેમાં કુલ 192 દેશોના 7500 કરતા વધુ એથલેટ્સોએ ભાગ લીધો હતો.  ગુજરાતના ખેલાડીઓએ રાજ્યનું નામ રોશન કરતા કુલ 18 મેડલ પોતાના નામે કર્યાં હતા. જેમાં 4 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

ગુજરાતના મંત્ર જીતેન્દ્રકુમાર હરખાનીએએ સ્વીમિંગમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યોતિ વરધાએ એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ, મનીષા ચૌહાણ બાસ્કેટબોલમાં સિલ્વર, સાંબરકાંઠાના ચિરાગ ઠાકોરે બાસ્કેટબોલમાં સિલ્વર, નયનકુમાર દેવધરીયાએ સાયકલીંગમાં બે બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ જીત્યો હતો. રેશ્મા તુર્કે ભૂટસલમાં સિલ્વર મેડલ કબજે કર્યો હતો. મહેસાણાની ચાર્મી પટેલે હેન્ડબોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

રોલર સ્કેટિંગમાં અમદાવાદના રાજ બંધારાએ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. જુનાગઢના વિનાયક રાજ્યગુરૂએ યુનીફાઇડ બાસ્કેટબોલમાં સિલ્વર મેડલ તો પંચમહાલના રાજેશ પગીએ યુનીફાઇડ હેન્ડબોલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહેસાણાના દર્શન પટેલે હેન્ડબોલમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. મહિલા વોલીબોલમાં પુષ્પા બારીયા અને સોમી ડામોરે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સાક્ષી મિસ્ત્રીએ સાયકલીંગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેને 5 કિમીની ઈવેન્ટમાં આ મેડલ મળ્યો હતો.

(1:06 pm IST)