Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

માયામી માસ્ટર્સમાં યૂકીની વિજયી શરૂઆત

નવી દિલ્હી:ભારતના ૨૫ વર્ષીય ટેનિસ સ્ટાર યુકી ભામ્બ્રીએ માયામી માસ્ટર્સમાં વિજયી પ્રારંભ કરતા ૭-૫, ૬-૩થી બોસ્નીયાના બાસીકને હરાવ્યો હતો. હવે મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં યુકીનો મુકાબલો અમેરિકાના જેક સોક સામે થશે. ઈન્ડિયન વેલ્સમાં પણ યુકીએ શાનદાર દેખાવ કરતાં માસ્ટર્સ ૧૦૦૦ ઈવેન્ટમાં ક્વોલિફાય કર્યું હતુ અને ત્રીજા રાઉન્ડ સુધીની સફર ખેડી હતી. માયામીમાં રમાયેલી અન્ય મેચોમાં અમેરિકાના આશાસ્પદ ખેલાડી ટીએફોએ સીધા સેટોમાં ૬-૩, ૭-૬ (૭-૪)થી આર્જેન્ટીનાના કીચેરને પરાસ્ત કર્યો હતો. જ્યારે ઉઝબેકિસ્તાનના ડેનિસ ઈસ્ટોમિને ૭-૫, ૬-૪થી સર્બિયાના કેમાનોવિચને હરાવીને ટુર્નામેન્ટમાં વિજય સાથે શરૃઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાના આશાસ્પદ ખેલાડી કોકીનાકીસે ૬-૧, ૬-૨થી ફ્રાન્સના હેમેરીને હરાવ્યો હતો. જ્યારે સર્બિયાના લાજોવિચે ૩-૬, ૭-૬ (૭-૪), ૬-૪થી આર્જેન્ટીનાના ઝેબાલોસ સામે વિજય મેળવતા બીજા રાઉન્ડમાં સ્થાન નિશ્ચિત કર્યું હતુ. માયામી માસ્ટર્સમાં વર્લ્ડ નંબર વન સ્વિસ લેજન્ડ ફેડરર તેમજ ઈન્ડિયન વેલ્સ માસ્ટર્સની ફાઈનલમા તેને હરાવનારો આર્જેન્ટીનાનો ડેલ પોટ્રો પણ ભાગ લઈ રહ્યો છે. ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન સર્બિયન સ્ટાર યોકોવિચ તેની પ્રથમ મેચમાં ફ્રાન્સના પીયરે સામે અને નિશિકોરીની ટક્કર ઓસ્ટ્રેલિયાના મીલમેન સામે થશે. ફેડરરની ટક્કર ઓસ્ટ્રેલિયાના કોકીનાકીસ સામે થશે. જ્યારે ડેલ પોટ્રોની ટક્કર નેધરલેન્ડના રોબિન હાસ સામે થવાનો છે.

(6:05 pm IST)