Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

બેટ્સમેનો ફરી ફલોપ : ભારત ૧૦ વિકેટે હાર્યુ

એકમાત્ર મયંક અગ્રવાલ (૫૮ રન) ટોપ સ્કોરર : બીજા દાવમાં ટીમ ઈન્ડિયા ૧૯૧માં ઓલઆઉટ : સાઉથી પ્લેયર ઓફ ધ મેચ : બીજો ટેસ્ટ શનિવારથી

વેલિંગ્ટન : ફાસ્ટ બોલર ટીમ સાઉથીની ઝંઝાવાતી બોલિંગ સામે ભારતના બેટ્સમેનો દ્યૂંટણીયે પડી ગયા હતા અને એ સાથે જ ભારત અહીં બેસિન રિઝર્વ મેદાન પર આજે ચોથા દિવસની રમતમાં પહેલી ટેસ્ટ મેચ ૧૦-વિકેટથી હારી ગયું છે.

બે-ટેસ્ટ મેચની સિરીઝમાં ન્યૂઝીલેન્ડે આમ ૧-૦ની સરસાઈ મેળવી છે.

ભારત સામે પહેલા દાવની ૧૮૩ રનની તોતિંગ સરસાઈ મેળવ્યા બાદ ન્યૂઝીલેન્ડે બીજા દાવમાં ભારતને ૧૯૧ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું અને બાદમાં એકેય વિકેટ ગુમાવ્યા વગર ૯ રન કરીને મેચ જીતી લીધી. ભારતના પહેલા દાવના ૧૬૫ રનના જવાબમાં ન્યૂઝીલેન્ડે પહેલા દાવમાં ૩૪૮ રન કર્યા હતા.

ટીમ સાઉથીએ પહેલા દાવમાં ૪ અને બીજા દાવમાં પાંચ વિકેટ ઝડપી હતી અને એને 'પ્લેયર ઓફ ધ મેચ' ઘોષિત કરવામાં આવ્યો હતો.

ભારતના બીજા દાવમાં ટોપ સ્કોરર રહ્યો હતો, ઓપનર મયંક અગ્રવાલ તેણે સૌથી વધુ ૫૮ રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલી બીજા દાવમાં પણ નિષ્ફળ ગયો હતો. પહેલા દાવમાં માત્ર ૨ રન કર્યા બાદ બીજા દાવમાં એ ૧૯ રન કરી શકયો હતો.

ગઈ કાલના અધૂરા દાવને અજિંકય રહાણે અને હનુમા વિહારીએ આજે આગળ ધપાવ્યો હતો, પણ રહાણે ૨૯ રન કરીને અને વિહારી ૧૫ રન કરીને આઉટ થયો હતો.

ટીમ સાઉથીએ ૬૧ રનમાં પાંચ વિકેટ લીધી હતી, અન્ય ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ૩૯ રનમાં ૪ વિકેટ લીધી હતી. કોલીન ડી ગ્રેન્ડહોમે બાકીની એક વિકેટ લીધી હતી.

ન્યુઝીલેન્ડે વિના વિકેટે ૯ રન કરી મેચ જીતી લીધો હતો. હવે બીજો ટેસ્ટ મેચ આામી શનિવારથી ક્રાઈસ્ટ ચર્ચમાં રમાશે.

(1:17 pm IST)