Gujarati News

Gujarati News

News of Sunday, 24th February 2019

ક્રિકેટ સ્‍ટેડીયમમાંથી ઝડપથી ઇહરાન ખાનની તસ્‍વીર હટાવી લેવાશે : ગાંગુલીનો નિર્દેશ

નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરના પુલવામા આતંકી હુમલા બાદથી લોકોની ભાવનાઓને જોતા બંગાળ ક્રિકેટ એસોસિએશન (CAB)ની ઓફિસમાંથી પાકિસ્તાનના વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાનની તસ્વીર હટાવવાની માગ કરવામાં આવી રહી છે. તેને લઈને સીએબીના અધ્યક્ષ સૌરવ ગાંગુલીનું કહેવું છે કે, તે ઝડપથી તેના પર ધ્યાન આપશે. ગાંગુલીએ પુલવામા આતંકી હુમલાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાન સાથે તમામ રમતના સંબંધો તોડવાની માગ કરી હતી.

આ પહેલા વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાંથી પાકિસ્તાન ટીમના પૂર્વ કેપ્ટન અને હવે દેશના વડાપ્રધાન ઇમરાન ખાન સહિત દિગ્ગજ બેટ્સમેન જાવેદ મિયાંદાદ અને કેટલાક અન્ય ક્રિકેટરોની તસ્વીરો ત્રણ દિવસ પહેલા હટાવી લેવામાં આવી હતી.

આ અનુક્રમમાં રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ઓફિસમાંથી પણ સોમવારે સવારે આશરે 40 પાકિસ્તાન ક્રિકેટરોની તસ્વીરો હટાવી લેવામાં આવી હતી. આ તમામ ક્રિકેટરોની તસ્વીરો હટાવીને આરસીએ ઓફિસના સ્ટોરમાં રાખવામાં આવી છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે, પુલવામા આતંકી હુમલા બાદ ભારતમાં કેટલાક સ્થળે તેના પૂર્વ ખેલાડીઓની તસ્વીરો હટાવવી અફસોસજનક છે અને અમે આ મુદ્દાને આઈસીસીની બેઠક દરમિયાન બીસીસીઆઈ સાથે ઉઠાવશું. પીબીસીના મેનેજિંગ ડાયરેક્ટર વસીમ ખાને કહ્યું કે, રમતે હંમેશા રાજકીય તણાવને ઓછો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. મહત્વનું છે કે, આઈસીસીની બેઠક 27 ફેબ્રુઆરીએ દુબઈમાં યોજાશે.

(12:43 pm IST)