Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

બોક્સિંગ ડે ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા, શુભમન ગિલને તક મળવાની શક્યતા

૨૬મીની બીજી ટેસ્ટ માટે સજ્જ થતી ભારતીય ટીમ : પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ બીજી ટેસ્ટમાં ભારત કોહલીની ગેરહાજરીમાં રહાણેના નેતૃત્વમાં મેદાનમાં ઊતરશે

મેલબોર્ન, તા. ૨૩ ;ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શરમજનક હાર બાદ ટીમ ઇન્ડિયા ૨૬ ડિસેમ્બરે રમાનારી બીજી ટેસ્ટ મેચ માટે તૈયારી કરી રહી છે. ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટ મેચ માટે નેટ પ્રેક્ટિસ કરી હતી. બીજી ટેસ્ટ મેચમાં અજિંક્ય રહાણે ટીમના કેપ્ટન હશે, જ્યારે ટીમ ઇન્ડિયાનો નિયમિત કેપ્ટન વિરાટ કોહલી પેટરનીટી લીવ પર ભારત પરત ફર્યો છે.

બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયામાં કેટલાક ફેરફાર જોવા મળશે. તેની ઝલક બુધવારે નેટ પ્રેક્ટિસ સેશન દરમિયાન જોવા મળી હતી. શુભમન ગિલ અને રવિન્દ્ર જાડેજાએ નેટ પ્રેક્ટિસ દરમિયાન પરસેવો પાડ્યો હતો. મનાઇ રહ્યું છે કે, બીજી ટેસ્ટમાં બન્ને ક્રિકેટરને ટીમમાં સ્થાન મળી શકે છે.

ગુલાબી બોલ સાથે રમાયેલી પ્રેક્ટિસ મેચમાં ૪૩ અને ૬૫ રન બનાવવા છતાં ગિલની જગ્યાએ પૃથ્વી શૉને ચાન્સ મળ્યો હતો. જો કે, શો તેનો લાભ ના લઇ શક્યો. જે બાદ ગિલ મેદાને ઉતરે તેવી સંભાવના વધી છે. તેણે મયંક અગ્રવાલ સાથે પ્રેક્ટિસ કરી હતી. કેએલ રાહુલે પણ નેટ પ્રેક્ટિસ કરી હતી.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી૨૦ મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થવાને લીધે બાકી બે ટી૨૦ અને પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર રહેલો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ બીજી ટેસ્ટ પહેલાં નેટ પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. જાડેજાએ પુજારા સામે બોલિંગ પણ કરી હતી. આ જોતાં સંભાવના છે કે, બીજી ટેસ્ટ મેચમાં જાડેજાને પણ રમાડવામાં આવે.

(7:47 pm IST)