Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

મેચને લઈને ટીમ પર કોઈ જાતનું દબાણ નથી : ભારતીય સુકાની વિરાટ કોહલી

પાકિસ્તાન સામેના મહા મુકાબલા પહેલાં ભારતીય સુકાની વિરાટ કોહલીનો દાવો : સ્ટેડિયમનો માહોલ અલગ હશે પણ અમારી તૈયારીમાં બદલાવ આવ્યો ન હોવાનો ભારતીય સુકાનીનો દાવો

દુબઈ, તા.૨૩ : ભારત અને પાકિસ્તાન વચ્ચે આવતીકાલે, રવિવારે રમાનારી ટી-૨૦ વર્લ્ડકપ મેચનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે. ક્રિકેટ ચાહકોમાં પણ હવે મુકાબલાને લઈને ઈંતેજારી વધી રહી છે ત્યારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ છે કે, ટીમ પર કોઈ પ્રકારનુ દબાણ નથી અને અમે કોઈ જાતનુ વિશેષ પ્લાનિંગ કર્યુ નથી. સ્ટેડિયમનો માહોલ અલગ હશે પણ અમારી તૈયારીમાં કોઈ જાતનો બદલાવ આવ્યો નથી.

વિરાટે કહ્યુ હતુ કે, પાકિસ્તાની ટીમમાં પ્રતિભાશાળી ખેલાડીઓ છે અને તેમાં કોઈ શંકા નથી. તેમની સામે અમારો મુકાબલો હંમેશા રસાકસીભર્યો રહેતો હોય છે. અમે સારૂ ક્રિકેટ રમવા પર ફોકસ કરી રહ્યા છે. ભારતની પ્લેઈંગ ઈલેવન અંગે જાણકારી આપવાનો કોહલીએ ઈનકાર કરીને કહ્યુ હતુ કે, ટીમ અમે પછી જાહેર કરીશ પણ ટીમ સંતુલિત હશે તે નક્કી છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને મેચના ૨૪ કલાક પહેલા ૧૨ સભ્યોની જાહેરાત કરી દીધી છે જ્યારે ટીમ ઈન્ડિયા વેઈટ એન્ડ વોચની નીતિ અપનાવી રહ્યુ છે.

જોકે કોહલીએ જે નિવેદન આપ્યુ છે તેને એક રીતે માઈન્ડ ગેમ તરીકે જોવાઈ રહ્યુ છે. કોહલીએ આડકતરી રીતે એવુ કહ્યુ છે કે, પાકિસ્તાનની ટીમને ભારત બીજી ટીમોની જેમ જુએ છે અને તેમના માટે મેચ બીજી ટીમો સાથેની મેચ જેવી છે.

(7:35 pm IST)