Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ગઇકાલના મેચમાં રાજસ્‍થાન રોયલ્‍સ સામે હારથી કેપ્‍ટન કુલ ધોની ગુસ્‍સે થયોઃ હાર માટે દોષનો ટોપલો સ્‍પીનરો ઉપર ઢોળ્‍યો

શારજાહ: ઈન્ડિયન પ્રિમીયર લીગ (IPL)ની 13મી સીઝનમાં પોતાની બીજી મેચ દરમિયાન રાજસ્થાન રોયલ્સના હાથે મળેલી 16 રનની હારનું ઠીકરું ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમના સ્પિનરો પર ફોડ્યું છે. તેમણે ટીમના સ્પિનરોને ખુબ ખરીખોટી સંભળાવવા ઉપરાંત યુએઈ પહોંચ્યા બાદ 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવા બદલ પણ ગુસ્સો વ્યક્ત કર્યો.

અત્રે જણાવવાનું કે રાજસ્થાન રોયલ્સના સંજૂ સેમસને તોફાની ઈનિંગ ખેલતા 32 બોલમાં 74 રન ફટકાર્યા અને પોતાની કેરિયરમાં પહેલીવાર ઓપનિંગ કરી રહેલા કેપ્ટન સ્ટીવ સ્મિથની 69 રનની ઈનિંગની મદદથી ટીમે સાત વિકેટ પર 216 રન કર્યા. જોફ્રા આર્ચરે પણ છેલ્લી ઓવરમાં 30 રન ઠોક્યા હતાં. જેનાથી ટીમ 200 પાર પહોંચી. જવાબમાં ચેન્નાઈની ટીમ ફાફ ડુપ્લેસિસની તોફાની 72 રનની ઈનિંગ છતાં છ વિકેટ પર 200 રન જ કરી શકી.

ચેન્નાઈના બે સ્પિનરોએ આપ્યા 95 રન

મેચ દરમિયાન ચેન્નાઈના બે સ્પીનરો પિયૂષ ચાવલા અને રવિન્દ્ર જાડેજાએ મળીને આઠ ઓવરોમાં 95 રન આપી દીધા. ધોનીએ મેચ બાદ કહ્યું કે અમારા સ્પીનરોએ ખુબ વધુ ફૂલ લેન્થ બોલિંગ કરીને ભૂલ કરી. જો અમે તેમને 200 રન પર રોકી લેતા તો આ સારી મેચ હોત. તેમણે કહ્યું કે જ્યારે 217 રનનો લક્ષ્યાંક હોય તો અમારે ખુબ સારી શરૂઆતની જરૂર હતી. જે અમને મળી નહીં. સ્ટીવ અને સેમસને ખુબ સારી બેટિંગ કરી. તેમના બોલરોને પણ શ્રેય જાય છે. તેમના સ્પિનરોએ બેટ્સમેનથી બોલને દૂર રાખીને સારૂ કામ કર્યું.

પોતે બેટિંગ કરવા નીચલા ક્રમે આવ્યા તેનું આપ્યું કારણ

ધોની પોતે 7મા નંબરે બેટિંગ કરવા માટે ઉતર્યો જેનું કારણ પણ તેણે આપ્યું. આ માટે તેણે 14 દિવસના આઈસોલેશનને કારણ ગણાવ્યું. તેણે કહ્યું કે 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાનો ખુબ ખરાબ પ્રભાવ પડ્યો છે. તેણે કહ્યું કે મે લાંબા સમયથી બેટિંગ કરી નથી. આ ઉપરાંત 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવાના કારણે પણ મદદ મળી નહી. હું સેમ કુરેનને તક આપીને કેટલીક નવી ચીજો અમજાવવા ઈચ્છતો હતો. ફાફે છેલ્લે સારી ઈનિંગ રમી.

(5:30 pm IST)