Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ઓલિમ્પિક-પેરાલિમ્પિકસમાં ગુજરાતની ૬ દિકરીઓ ગર્જના કરશે

સ્વીમીંગમાં માના પટેલ, શુટીંગમાં ઇલાવેનિલ વલારીવન, ટેનિસમાં અંકિતા રૈના, પેરાબેડ મીન્ટનમાં પારૂલ પરમાર, પેરાટેબલ ટેનિસમાં સોનલ પટેલ અને ભાવિના પટેલનું અભિયાન શરૂ થશેઃ ગુજરાતીઓએ શુભેચ્છા પાઠવી

 નવી દિલ્હીઃ ગુજરાતના ૬૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યના ૬ રમતવીરો ઓલિમ્પિકસમાં ભારતનું   પ્રતિનિધિત્વ કરશે. આ સાથે જ ગુજરાતની છ મહિલાઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા જઈ રહી છે. ગુજરાતના ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે એક સાથે મળીને ઘણા બધા રમતવીરોને ઓલિમ્પિકસ   માટે પસંદ કરવામાં આવ્યા છે.  માના પટેલ સ્વિમિંગમાં, અંકિતા રૈના ટેનિસ, સોનલ પટેલ, પેરા ટેબલ ટેનિસ, ભાવિના પટેલ પેરા ટેબલ ટેનિસ, ઈલાવેનિલ વલારીવન શૂટિંગમાં, અને પારૂલ પરમારની પેરા બેડમિન્ટ રમત માટે પસંદગી થઈ છે. 

માના પટેલઃ સ્વિમર માના પટેલ, ગુજરાતના અમદાવાદની રહેવાસી છે. તે ટોક્યો ઓલિમ્પિકસમાં ૧૦૦ મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લેશે. માનાને અગાઉ પણ ઓલિમ્પિકસમાં વર્ષ ૨૦૧૫ની સ્પર્ધાઓ સિલ્વર મેડલ મળ્યો હતો. વર્ષ ૨૦૦૦માં માર્ચ મહિનાની ૧૮મી તારીખે જન્મેલી માના દેશની સર્વોચ્ચ ક્રમાંક ધરાવતી સ્વિમર છે. માનાએ નેશનલ એકવાટિકસ ચેમ્પિયશીપમાં ત્રણ રેકોર્ડ તોડ્યા છે. આ ઉપરાંત તે નેશનલ ગેમ્સમાં ૫૦ મીટર બેકસ્ટ્રોકસ, ૨૦૦ મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીતી ચુકી છે. માના ઓલિમ્પિકસ ગોલ્ડ કવેસ્ટ દ્વારા સાઇન થનાર પ્રથમ સ્વીમીર છે.

 ઈલાવેનિલ વલારીવન :- શૂટિંગ મૂળ તમિલનાડુના વતની વલારીવન પરિવારની દીકરી ઈલાવેનિલનો જન્મ અમદાવાદમાં થયો હતો. ઈલાવેનિલે શૂટિંગની તાલિમ અમદાવાદમાંથી લીધી અને તેણે વિવિધ સ્પર્ધાઓમાં ગોલ્ડ-સિલ્વર મેડલ જીત્યા હતા. ઈલાવેનિલ ૨૧ વર્ષની છે અને અગાઉ તે શૂટિંગમાં વિશ્વ ક્રમાંક -૧ સુધી પહોંચી ચુકી છે. ટોકિયો ઓલિમ્પિકસ માટે શૂટરની ૧૫ ખેલાડીની ટીમ તૈયાર થઇ છે. જેમાં ગુજરાતની ઇલાવેનિલનું નામ પણ સામેલ છે. તેમણે ગત મહિને આયોજીત દિલ્લી વર્લ્ડ કલબમાં ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યું હતું.

 અંકિતા રૈના :- ટેનિસ ૨૮ વર્ષીય અંકિતા રૈનાને આમ તો કોઈ પરિચયની જરૂર નથી. અંકિતા જાણીતી ટેનિસ ખેલાડી છે. વર્લ્ડ રેન્કિંગમાં ૯૫મો ક્રમાંક ધરાવતી અંકિતા અમદાવાદની રહેવાસી છે. અંકિતાએ અત્યારસુધીમાં ૧૧ સિંગલ્સ અને ૧૮ ડબલ્સના ટાઇટલ જીત્યા છે. મૂળ કાશ્મીરી પંડિત પરિવારની દીકરી અકિતા ટોક્યો ઓલિમ્પિકસમાં ડબલ્સમાં સાનિયા મિર્ઝા સાથે રમશે

૪ પારૂલ પરમાર - પેરાબેડમિન્ટ પારૂલ પરમાર પેરા બેડમિન્ટનમાં એસ.એલ-૩ સિંગલ્સ કેટેગરીના ખેલાડી છે. તેમનો રેન્કિંગ આ ક્ષેત્રમાં છેલ્લા દોઢ દાયકાથી નંબર-૧ છે. ઓલિમ્પિકસમાં આ કેટેગરી ન હોવાથી તેઓ એસ.એલ-૪માં રમવાના છે. વર્ષ ૨૦૦૯ના અર્જૂન એવોર્ડી પારૂલ પરમારને આ રમત પિતા તરફથી વારસામાં મળી છે જેઓ એક બેડમિન્ટ ખેલાડી હતા. પારૂલ પરમાર મૂળ ગાંધીનગરના રહેવાસી છે.

 સોનલ પટેલઃ - પેરા ટેબલ ટેનિસ અમદાવાદના વતની સોનલ પટેલ ૩૪ વર્ષના છે. શહેરના ગોતા વિસ્તારમાં રહેતા સોનલ બહેન દિવ્યાંગ હોવાના કારણે શિક્ષક બનીને સમાજની સેવા કરવા માંગતા હતા. જોકે, તેમના નસીબમાં રમત લખાયેલી હતી. હાલમાં પેરા ટેબલ ટેનિસના વર્લ્ડ રેન્કિંગમાં તેઓ ૧૯માં ક્રમાંક છે. તેઓ ટોક્યો પેરાલિમ્પિકસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

૬ ભાવિના પટેલ - પેરા ટેબલ ટેનિસ પેરાલિમ્પિકસમાં પસંદ થયેલા ભાવિના પટેલે અત્યારસુધીમાં ૨૮વાર ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. તેમણે અત્યારસુધીમાં ૫ ગોલ્ડ, ૧૩ સિલ્વર અને ૮ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. મૂળ ગ્રામિણ વિસ્તારના ભાવિના અમદાવાદમાં બ્રાઇન્ડ પીપલ્સ એસોસિએશનમાં આઈઆઈટીનો કોર્સ કરતા હતા તે વખતે તેમને આ રમતમાં રસ પડ્યો અને બાકી બધો ઇતિહાસ છે.

(3:55 pm IST)