Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd July 2019

વિન્ડિઝ સામે ફાસ્ટ ત્રિપુટીને રંગ જમાવવા માટે મોટી તક

ભુવનેશ્વરકુમાર, ખલીલ અહેમદ અને દીપક ચહર સામે પડકાર : ભારતીય ટીમ ધરખમ દેખાવ કરવા માટે સંપૂર્ણ સુસજ્જ

મુંબઈ, તા. ૨૩ : આગામી મહિને શરૂ થતી વિન્ડિઝ સામેની શ્રેણી અનેકરીતે ખુબ મહત્વપૂર્ણ છે. એકબાજુ મહેન્દ્રસિંહ ધોની આ શ્રેણીમાં રમનાર નથી. કેરેબિયન જમીન ઉપર રમાનારી ત્રણ મેચોની ટી શ્રેણી માટે પસંદગીકારોએ જે બોલિંગની પસંદગી કરી છે જેમાં નવી ફાસ્ટ ત્રિપુટી છે. ભારતની ટી-૨૦ ટીમમાં ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, દીપક ચહર અને નવદીપ સૈની તરીકે ચાર સ્પેશિયાલિસ્ટ બોલરો છે. નવદીપે હજુ સુધી ટીમ ઇન્ડિયા માટે ડેબ્યુ કર્યું નથી. ભુવનેશ્વર, ખલીલ અને દીપકે મળીને ૪૭ ટી-૨૦ ઇન્ટરનેશનલ રમી છે જેમાં ૪૭ વિકેટ લઇ ચુક્યા છે. સૌથી વધુ ભુવનેશ્વરકુમારને ૩૭ મેચો રમવાનો અનુભવ છે જ્યારે ખલીલને નવ અને દીપકને એક મેચ રમવાનો અનુભવ છે. વિન્ડિઝની ટ્વેન્ટી ટીમ હમેશાથી મજબૂત રહી છે જેથી યુવા ભારતીય બોલરો સામે ખુબ પડકાર રહેશે. રંગ જમાવવાની તક રહેશે. નવા સ્પીનર રાહુલ પાસે પણ તક રહેશે. જસપ્રિત બુમરાહ જેવા બોલરોને આરામ આપવામાં આવ્યો છે. કુલદીપ યાદવ અને યુજર્વેન્દ્રની જામી ગયેલી જોડીને આરામ આપીને યુવાનોને તક આપવામાં આવી છે. દીપક, ખલીલ અને નવદીપ પાસેથી સારા દેખાવની અપેક્ષા છે. આ ત્રણેય ખેલાડીઓ આઈપીએલમાં રમી ચુક્યા છે જ્યાં ક્રિસ ગેઇલ, રસેલ જેવા પાવર હિટરોનો સામનો કરી ચુક્યા છે. તેમની કુશળતાનો અંદાજ લગાવી શકાય છે કે, આ ત્રણેય બોલરો આઈપીએલમાં સારો દેખાવ કરી ચુક્યા છે. ઇન્ટરનેશનલ લેવલ પર રમવાની બાબત ચોક્કસપણે તેમની સામે દબાણ લાવનાર છે. આજ કારણસર તેમને વર્લ્ડકપ માટે સ્ટેન્ડબાયમાં રાખવામાં આવ્યા હતા. ટી-૨૦ વર્લ્ડકપ આગામી વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમનાર છે. આ પહેલા ભારતીય પસંદગીકારો યોગ્ય વિકલ્પોની શોધમાં છે.

(7:56 pm IST)