Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

આઇસલેન્ડને ૨-૦થી હરાવીને નાઈજેરિયાએ અપસેટ સર્જ્યો

નવી દિલ્હી: નાઈજીરિયાએ મેજર અપસેટ સર્જતાં આઇસલેન્ડને ૨-૦થી હરાવીને ૨૧માં ફિફા વર્લ્ડ કપમાં સૌપ્રથમ વિજય મેળવ્યો હતો. ક્રોએશિયા સામેની ૦-૨થી મળેલી હારની હતાશા દૂર કરીને રમવા ઉતરેલા નાઈજીરિયા તરફથી અહમદ મુસાએ શાનદાર દેખાવ કરતાં બે ગોલ ફટકાર્યા હતા. જ્યારે આર્જેન્ટીનાને બરોબરી પર અટકાવવામાં સફળ રહેલી આઇસલેન્ડની ટીમનો દેખાવ કંગાળ રહ્યો હતો. તેઓ પેનલ્ટી કીકને પણ ગોલમાં ફેરવી શક્યા નહતા અને આખરે તેમને હારનો સામનો કરવો પડયો હતો. ક્રોએશિયા સામેની આર્જેન્ટીનાની હાર બાદ મહત્વના બનેલા આ મુકાબલામાં આફ્રિકન ટીમે કમાલનું પર્ફોમન્સ આપતાં જીત મેળવી હતી. પ્રથમ હાફના અંતે બંને ટીમો ૦-૦થી બરોબરી પર રહી હતી. જોકે બીજા હાફની શરૃઆત બાદની ચોથી જ મિનિટે અહમદ મુસાના ગોલને સહારે નાઈજીરિયાએ સરસાઈ મેળવી લીધી હતી. આ ગોલ બાદ નાઈજીરિયાના ખેલાડીઓ અચાનક જ ભારે ઉત્સાહમાં આવી ગયા હતા. જે પછી તેઓએ સતત આઇસલેન્ડને પરેશાન કર્યું હતુ અને મુસા ૭૫મી મિનિટે બીજો ગોલ ફટકારતાં ટીમની જીત લગભગ નિશ્ચિત કરી લીધી હતી. આઇસલેન્ડને વીએઆરની મદદથી પેનલ્ટી કક મળી હતી. જોકે ગીલ્ફી સિગુર્ડસન પેનલ્ટી કીકને ગોલમાં ફેરવી શક્યો નહગતો.

(4:43 pm IST)