Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી હવે ડિવિલિયર્સ પણ નિવૃત્ત થયો

ડિવિલિયર્સની નિવૃત્તિથી ચાહકોમાં નિરાશાઃ ડિવિલિયર્સ ઓલટાઈમ સૌથી મહાન ખેલાડીઓ પૈકીનો એક રહ્યો : ટેસ્ટ અને વનડે બંનેમાં ૫૦થી વધુની સરેરાશ

નવીદિલ્હી,તા. ૨૩: દક્ષિણ આફ્રિકા સ્ટાર બેટ્સમેન અને અનેક ક્રિકેટ રેકોર્ડ પોતાના નામે ધરાવનાર સ્ટાર એબી ડિવિલિયર્સે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તાત્કાલિક અમલી થાય તે રીતે નિવૃત્તિ લેવાની જાહેરાત કરી લીધી હતી. ડિવિલિયર્સની નિવૃત્તિ લેવાની જાહેરાતથી ક્રિકેટ ચાહકોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. ડિલિવિયર્સ જે રેકોર્ડ બેટિંગમાં પોતાના નામ ઉપર ધરાવે છે તેમાં વિશ્વમાં સૌથી ઝડપી વનડેમાં ૫૦ રન, ૧૦૦ અને ૧૫૦ રનની સિદ્ધિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં પણ દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તેના નામ ઉપર રહેલો છે. ટ્વેન્ટી ક્રિકેટમાં સૌથી ઝડપી ૫૦ રન કરનાર તે આફ્રિકન ખેલાડી તરીકે છે. હાલમાં ઇન્ડિયન પ્રિમિયર લીગમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહ્યો હતો. વિકેટકીપર બેટ્સમેન તરીકે ડિવિલિયર્સે પોતાની ઇન્ટરનેશનલ કેરિયરની શરૃઆત કરી હતી પરંતુ એક બેટ્સમેન તરીકે તે વધારે છવાયેલો રહ્યો છે. બેટિંગમાં જુદી જુદી પોઝિશન ઉપર ધરખમ બેટિંગ કરીને પોતાની કુશળતા ડિવિલિયર્સે વારંવાર પુરવાર કરી હતી. મૂળભૂતરીતે તે મિડલ ઓર્ડરનો બેટ્સમેન રહ્યો છે. આધુનિક ક્રિકેટમાં તેને શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ગણવામાં આવે છે. ડિવિલિયર્સે વર્ષ ૨૦૦૪માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમીને આંતરરાષ્ટ્રીય કેરિયરની શરૃઆત કરી હતી. વર્ષ ૨૦૦૫માં પોતાની પ્રથમ વનડે રમી હતી. જ્યારે ૨૦૦૬માં પ્રથમ વખત ટ્વેન્ટી ક્રિકેટમાં રમ્યો હતો. ૨૦૧૬માં ટેસ્ટ અને વનડે ક્રિકેટમાં આઠ હજાર રન પુરા કર્યા હતા. તેની બેટિંગ સરેરાશ ટેસ્ટ અને વનડે બંનેમાં ૫૦થી ઉપર રનની રહી છે. ડિલિવિયર્સ તમામ ફોર્મેટમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન તરીકે પણ રહ્યો છે પરંતુ ઇજાના કારણે તેને વારંવાર બહાર થવાની ફરજ પડી હતી. ટેસ્ટ કેપ્ટનશીપમાંથી તે બહાર નિકળી ગયો હતો અને વનડેમાં કેપ્ટન તરીકે રહ્યો હતો. જો કે, ૨૦૧૭ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર બાદ તથા ઇંગ્લેન્ડ શ્રેણીમાં હાર બાદ વનડે કેપ્ટન તરીકે પણ રાજીનામુ આપ્યું હતું. ૨૩મી મે ૨૦૧૮ના દિવસે એટલે કે આજે ડિવિલિયર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. ૩૪ વર્ષીય ડિવિલિયર્સ પોતાના ચાહકોમાં સુપરમેન તરીકે લોકપ્રિય હતો. તેની બેટિંગના લીધે તેની મેચો જોવા માટે ચાહકો પહોંચતા હતા. તે અનેક રેકોર્ડ પોતાના નામ ઉપર ધરાવે છે જેમાં એક પણ વખત શૂન્યમાં આઉટ થયા વગર સૌથી વધુ ટેસ્ટ ઇનિંગ્સનો સમાવેશ થાય છે. તે શૂન્યમાં આઉટ થયા વગર ૭૮ ઇનિંગ્સ રમી ગયો હતો. નવેમ્બર ૨૦૦૮માં બાંગ્લાદેશ સામે પ્રથમ વખત તે શૂન્યમાં આઉટ થયો હતો. ૧૬ બોલમાં ૫૦ રનનો પણ તેનો રેકોર્ડ રહ્યો છે. આ ઉપરાંત ૩૧ બોલમાં ૧૦૦ રનનો અને ૬૪ બોલમાં ૧૫૦ રનનો રેકોર્ડ તેનો રહ્યો છે. તે ત્રણ વખત આઈસીસી વનડે પ્લેયર ઓફ દ યર તરીકે રહ્યો છે. ૨૦૧૦, ૨૦૧૪ અને ૨૦૧૫માં તે આઈસીસી વનડે પ્લેયર ઓફ યર બન્યો હતો.

ડિવિલિયર્સ પ્રોફાઈલ....

નામ               :         અબ્રાહમ બેન્જામિન ડિવિલિયર્સ

જન્મ તારીખ       :         ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૪

નિક નેમ           :         સુપરમેન

હાઈટ              :         પાંચ ફૂટ ૧૧ ઇંચ

બેટિંગ             :         રાઇટ હેન્ડ

બોલિંગ            :         રાઈટ આર્મ મિડિયમ

રોલ               :         બેટ્સમેન, વિકેટકીપર

રાષ્ટ્રીય ટીમ       :         આફ્રિકા (૨૦૦૪-૨૦૧૮)

ટેસ્ટ પ્રવેશ         :         ૧૭ ડિસેમ્બર ૨૦૦૪ (ઇંગ્લેન્ડ)

અંતિમ ટેસ્ટ        :         ૩૦મી માર્ચ ૨૦૧૮ (ઓસ્ટ્રેલિયા)

વનડે પ્રવેશ        :         બીજી ફેબ્રુઆરી ૨૦૦૫ (ઇંગ્લેન્ડ)

અંતિમ વનડે       :         ૧૩મી ફેબ્રુઆરી ૨૦૧૮ (ભારત)

વનડે શર્ટ નંબર    :         ૧૭

ટ્વેન્ટી પ્રવેશ       :         ૨૪મી ફેબ્રુઆરી ૨૦૦૬ (ઓસ્ટ્રેલિયા)

અંતિમ ટ્વેન્ટી      :         ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮ (ભારત)

ટ્વેન્ટી શર્ટ નંબર  :         ૧૭

ટેસ્ટ મેચો          :         ૧૨૩

ટેસ્ટ મેચમાં રન    :         ૮૭૬૫

બેટિંગ સરેરાશ     :         ૫૦-૬૬

ટેસ્ટ સદી-અડધી સદી        :     ૨૨-૪૬

વનડે-ટ્વેન્ટી       :         ૨૨૮-૭૮

વનડે-ટ્વેન્ટી રન   :         ૯૫૭૭-૧૬૭૨

સરેરાશ            :         ૫૩-૨૬

વનડે-ટ્વેન્ટી સદી  :         ૨૫-૦૦

વનડે-ટ્વેન્ટી ૫૦   :         ૫૩-૧૦

(7:54 pm IST)