Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

એશિયન એથલેટિક્સ ચેમ્પીયનશીપમાં ગોમતી મારિમુતુઅે ગોલ્ડ મેડલ અને શિવપાલે સિલ્વર મેડલ અપાવ્યો

દોહાઃ ગોમતી મારિમુતુએ મહિલાઓની 800 મીટર દોડમાં પ્રથમ સ્થાન હાસિલ કરીને એશિયન એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં સોમવારે અહીં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો. ભારતે સ્પર્ધાના બીજા દિવસે ચાર મેડલ જીત્યા હતા. 30 વર્ષની ગોમતીએ બે મિનિટ 02.70 સેકન્ડનો સમય કાઢીને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને ભારતને સોનું અપાવ્યું હતું. ત્યારબાદ શિવપાલે પુરૂષોના ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે 86.23 મીટરનો થ્રો કર્યો જે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. શિવપાલે 80 મીટરના ક્વોલીફાઇંગ માર્કને હાસિલ કરીને વિશ્વ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાઈ કર્યું જે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં આ સ્થાન પર યોજાશે.

ઝાબિર મદારી પલ્લિયાલિલ અને સરિતા ગાયકવાડે ક્રમશઃ પુરૂષો અને મહિલાઓની 400 મીટર વિઘ્ન દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ચાર મેડલોથી ભારતના કુલ મેડલોની સંખ્યા નવ થઈ ગઈ છે, જેમાં એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સામેલ છે. ભારતે રવિવારે બે સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ જીત્યા હતા. ફર્રાટા દોડવીર દુતી ચંદે 100 મીટરમાં સતત બીજા દિવસે પોતાના રાષ્ટ્રીય રેકોર્ડને તોડ્યો હતો.

ભારતને બીજા દિવસે પ્રથમ મેડલ 24 વર્ષની સરિતા ગાયકવાડે અપાવ્યો હતો. તેણે મહિલાઓની 400 મીટર વિઘ્ન દોડ 57.22 સેકન્ડમાં પૂરી કરી હતી. ઝાબિરે ત્યારબાદ 49.12 સેકન્ડના સમયની સાથે પુરૂષોની આ સ્પર્ધામાં ત્રીજું સ્થાન હાસિલ કર્યું હતું.

ઝાબિરે આ સાથે વિશ્વ ચેમ્પિયનશિપ માટે પણ ક્વોલિફાઇ કર્યું જેનું ક્વોલિફિકેશન માર્ક 49.30 સેકન્ડ હતો. તે ઈજાગ્રસ્ત હોવાને કારણે એશિયન ચેમ્પિયનશિપમાં રમી શક્યો નથી.

મહિલાઓની 100 મીટરમાં દુતીએ 11.28 સેકન્ડનો સમય કાઢીને રવિવારે બનાવવામાં આવેલા 11.26 સેકન્ડના ખુદના રેકોર્ડમાં સુધાર કર્યો હતો. પુરૂષોની 400 મીટરમાં હાલનો ચેમ્પિયન મોહમ્મદ અનસ અને અરોકિયા રાજીવ મેડલ જીતવામાં અસફળ રહ્યાં હતા. રાજીવ ચોથા અને અનસ આઠમાં સ્થાન પર રહ્યો હતો.

(4:53 pm IST)