Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન અને રાજ્યસભાના સાંસદ મેરી કોમે વિદેશથી પરત ફર્યા બાદ આઇસોલેશન પ્રક્રિયાને ઠેબે ચડાવી દીધી

નવી દિલ્હી: કોરોના વાયરસ વિરુદ્ધ આજે આખો દેશ એકજૂથ થઈને લડત લડી રહ્યો છે. આ બાજુ છ વાર વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન અને રાજ્યસભા સાંસદ મેરી કોમે હાલમાં જ વિદેશથી પાછા ફર્યા બાદ આઈસોલેશન પ્રક્રિયાને ઠેબે ચડાવી દીધી છે. વાત જાણે એમ છે કે મેરી કોમ એશિયા-ઓશિયાના ઓલિમ્પિક ક્વોલિફાયરમાં ભાગ લેવા માટે જોર્ડન ગઈ હતી. જ્યાંથી તે 13 માર્ચના રોજ ભારત પાછી ફરી. પરંતુ મેરી કોમે મહામારી બની ચૂકેલા કોરોના વાયરસની એડવાઈઝરીને માનવાની ધરાર ના પાડી દીધી.

મેરી કોમે કહ્યું કે તે 13 માર્ચના રોજ જોર્ડનથી ભારત પાછી ફરી છે અને તે આગામી 3-4 દિવસ સુધી જ પોતાના ઘરમાં રહેશે કે કહો તો પોતાને ફક્ત 3-4 દિવસ સુધી જ આઈસોલેશનમાં રાખી શકશે. મેરી દ્વારા લેવાયેલા આ નિર્ણયથી લોકોને આઘાત લાગ્યો છે. અત્રે જણાવવાનું કે કોરોના વાયરસથી બચવા માટે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન મુજબ વિદેશથી આવનારી દરેક વ્યક્તિએ 14 દિવસ માટે પોતાને આઈસોલેશનમાં રાખવું જરૂરી છે.

ત્યારબાદ મેરી કોમે 18 માર્ચના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ પણ લીધો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તે દિવસે એક બ્રેકફાસ્ટ આયોજન કર્યું હતું. અત્રે જણાવવાનું કે આ એજ કાર્યક્રમ છે કે જેમાં ભાજપના સાંસદ દુષ્યંત સિંહે પણ ભાગ લીધો હતો. ભારતના રાષ્ટ્રપતિના અધિકૃત ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરાયેલી ચાર તસવીરોમાથી એકમાં મેરી કોમને અન્ય સભ્યો સાથે જોઈ શકાય છે.

બોક્સિંગ કોચ સેન્ટિયાગો નીવાએ શુક્રવારે જણાવ્યું હતું કે જોર્ડનમાં ભાગ લેનારા ભારતીય બોક્સિંગ દળના સભ્યો 14 દિવસ માટે સેલ્ફ આઈસોલેશનમાં છે. તેમણે કહ્યું કે અમે સેલ્ફ આઈસોલેશન માટે 10 દિવસની યોજના બનાવી હતી પરંતુ હવે તેને 14 દિવસની કરી છે.

જો કે મેરી કોમ દ્વારા અપાયેલા સ્પષ્ટીકરણમાં તેણે સ્વીકાર્યું કે તે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં સામેલ થઈ હતી. એક નિવેદનમાં તેણે કહ્યું કે હું જોર્ડનથી પાછા ફર્યા બાદ ઘરે છું. હું ફક્ત રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં સામેલ  થઈ હતી અને આ દરમિયાન દુષ્યંત સિંહને મળી નહતી અને હાથ પણ મિલાવ્યો નહતો.

(5:11 pm IST)