Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

ટેલર અને હું હજી બેસ્ટ ફ્રેન્ડ નથી, પણ એકબીજા પ્રત્યે અમને માન છેઃ મેકલમ

આ બન્ને ખેલાડીઓ મતભેદ હજુ ભુલ્યા નથી

ઓકલેન્ડઃ ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેકલમનું કહેવું છે કે રોસ ટેલર અને હું હજી બેસ્ટ ફ્રેન્ડ નથી, પણ અમને એકબીજા પ્રત્યે માન છે. નોંધનીય છે કે ૨૦૧૧ વર્લ્ડ કપ પછી ડેનિયલ વિટ્ટોરીએ કપ્તાનપદેથી રાજીનામું આપતાં ટેલર અને મેકલમ વચ્ચે  વ્યકિતગત મતભેદ થયા હતા.

આ બાબતના સંદર્ભમાં મેકલમે કહ્યું, 'એ વાતે મારી અને ટેલર વચ્ચેની મિત્રતાના સંબંધ પર પ્રેશર લાવી દીધું હતું. રોસ સાથે અન્ડર- એજ ક્રિકેટમાં મારા ઘણા સારા સંબંધ હતા. અન્ડર-૧૯ ટીમમાં હું ટીમનો કેપ્ટન હતો અને ટેલર વાઈસ- કેપ્ટન'

એ ઘટનાને યાદ કરતાં મેકલમે કહ્યું કે 'અમારે ક્રિકેટના એક ઈન્ટરવ્યુ માટે જવાનું હતું જયાં ન્યુઝીલેન્ડ ક્રિકેટના ભવિષ્ય વિશે અમારે ચર્ચા કરવાની હતી. મને જરાય ખબર નહોતી કે શું થશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ માટે એ ઘણો કપરો સમય હતો. એ સમયે હું જવા નહોતો માગતો અને ટેલરને કેપ્ટન બનાવી દો એમ કહેવાની ઈચ્છા થતી હતી. આ વાતે મારા પર અને ટેલર પર ઘણું પ્રેશર લાવી દીધું અને છેલ્લે રોસ પાસેથી કપ્તાનપદ લઈને મને સોંપવામાં આવ્યું.'

મેકલમના જણાવ્યા પ્રમાણે ૨૦૧૨માં શ્રીલંકા ટેસ્ટ- સિરીઝ દરમ્યાન રોસ ટેલર  અને કોચ માઈક હસનના સંબંધોમાં ખટરાગ ઉત્પન્ન થયા હતા. જેનાં માઠાં પરિણામ ટીમને ભોગવવા પડયાં હતાં. એક સમય હતો જયારે ટેલર ન્યુઝીલેન્ડની ટેસ્ટ ટીમને જયારે મેકલમ વન-ડે ટીમને લીડ કરતો હતો, પણ પછીથી તેણે કપ્તાનપદની ના પાડી દીધી હતી. ડિસેમ્બર ૨૦૧૨માં મેકલમે ક્રિકેટની તમામ ફોર્મેટની કપ્તાની સ્વીકારી અને ૨૦૧૬ સુધી કન્ટીન્યુ કરી. તેના રિટાયર થતાં કેન વિલિયમસનના હાથમાં ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી.

(3:48 pm IST)