Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ભારતીય મહિલા ફૂટબોલ સૈફ કપની ફાઇનલમાં નેપાળને 3-1થી હરાવીને સતત પાંચમી વખત ટાઇટલ નામે કર્યું

નવી દિલ્હી: ભારતીય મહિલા ફૂટબોલ ટીમે યજમાન નેપાળને ૩-૧થી પરાજય આપી સેફ (સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન) કપનું સતત પાંચમી વખત ટાઇટલ જીત્યું હતું.  ભારતે આ પહેલાં ૨૦૧૦, ૨૦૧૨, ૨૦૧૪, ૨૦૧૬માં પણ ટાઇટલ જીત્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમનો ટૂર્નામેન્ટના ઇતિહાસમાં અપરાજેય ક્રમ ૨૩ મેચ સુધી પહોંચી ગયો છે. ભારત તરફથી ડાલિમા છિબ્બર, ગ્રાસ ડેંગમેઈ અને સબ્સ્ટિટયૂટ અંજુ તમાંગે  ગોલ કર્યા હતા. ૨૬મી મિનિટે ભારતને મળેલી ફ્રી કિક પર ડાલિમા છિબ્બરે ગોલ કરી ટીમની લીડ ૧-૦ કરી દીધી હતી. છ મિનિટ બાદ રતનબાલા ભારતની લીડ ડબલ કરી શકે તેમ હતી પરંતુ તેના શોટને નેપાળની ગોલકીપરે રોકી લીધો હતો. ૩૪મી મિનિટે સબિત્રાએ હેડર દ્વારા ગોલ કરી નેપાળને ૧-૧ની બરાબરી અપાવી હતી. બીજા હાફમાં ૬૩મી મિનિટે સંજુના પાસ પર ગ્રેસે ગોલ કરી ટીમને ૨-૧ની લીડ અપાવી જ્યારે ૭૮મી મિનિટે અંજુ તમાંગે ગોલ કરી ભારતને ૩-૧થી જીત અપાવી હતી.

(6:36 pm IST)