Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

દોહા સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતે ૮૫ ગોલ્ડની સાથે ૩૬૮ મેડલ્સ જીત્યા

નવી દિલ્હી:  ભારતના સ્પેશિયલ ઓલિમ્પિકના ખેલાડીઓએ દોહામાં યોજાયેલી મેગા ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ૮૫ ગોલ્ડની સાથે ૩૬૮ મેડલ્સ જીતી લીધા હતા. ભારતીય ખેલાડીઓએ ૧૫૪ સિલ્વર અને ૧૨૯ બ્રોન્ઝ મેડલ્સ પણ પ્રાપ્ત કર્યા હતા. દોહામાં યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિકમાં વિશ્વના ૧૯૦ દેશોના ૭,૫૦૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પેશિયલ ઓલિમ્પિકમાં માનસિક રીતે ક્ષતિ ધરાવતા ખેલાડીઓ ભાગ લે છે. દોહામાં યોજાયેલા સ્પેશિયલ ઓલિમ્પિક્સમાં ૨૪ જેટલી રમતોમાં સ્પર્ધા યોજાઈ હતી. ભારતના ખેલાડીઓએ એથ્લેટિક્સ, ગોલ્ફ, વોલીબોલ, એક્વેટિક, સાઈક્લિંગ, જુડો, પાવરલિફ્ટિંગ, ટેબલ ટેનિસ, રોલર સ્કેટિંગ, બેડમિંટન, બાસ્કેટબોલ ટ્રેડિશનલ, હેન્ડબોલ ટ્રેડિશનલ અને ફૂટબોલ સેવન-સાઈડ ફિમેલ જેવી ઈવેન્ટ્સમાં સફળતા હાંસલ કરી હતી. ભારતીય ખેલાડીઓએ પાવરલિફ્ટિંગની ઈવેન્ટમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરતાં ૨૦ ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ ઈવેન્ટમાં ભારતે ૩૩ સિલ્વર અને ૪૩ બ્રોન્ઝની સાથે કુલ ૪૩ મેડલ્સ હાંસલ કર્યા હતા. જ્યારે રોલર સ્કેટિંગમાં ભારતને ૧૩ ગોલ્ડ, ૨૦ સિલ્વર અને ૧૬ બ્રોન્ઝ મળ્યા હતા. સાઈક્લિંગમાં ભારતને ૧૧ ગોલ્ડ, ૧૪ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ એમ કુલ ૪૫ મેડ્લ્સ મળ્યા હતા. જ્યારે એથ્લેટિક્સમાં ભારતને પાંચ ગોલ્ડ અને ૨૪ સિલ્વર સાથે ૩૯ મેડલ્સ પ્રાપ્ત થયા હતા. સ્પેશિયલ ઓલિમ્પિકમાં ભારતને નવમી વખત ભાગ લીધો હતો. આ ઈવેન્ટ દર બે વર્ષે યોજાય છે. 

(6:33 pm IST)