Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

સેન્ચુરી કે ૭ વિકેટ લઈને ઝાડ તમારા નામે કરો

કેપટાઉનમાંથી પાંચ કિ.મી. દૂર એક સ્કુલના ગ્રાઉન્ડમાં ક્રિકેટરોના નામે ૬૦ ઝાડ ઉછેરવામાં આવ્યા : જો કે કેગીસો રબાડાના નામે ઝાડ નથી : વાંચો રસપ્રદ સ્ટોરી

સાઉથ આફ્રિકાના કેપટાઉનના ન્યુલેન્ડ્સ મેદાનમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચો યોજાય, છે પણ ત્યાંથી પાંચ કિ.મી. દૂર આવેલા વાયનબર્ગ બોયઝ હાઈસ્કુલના ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્કુલ લેવલની મેચો યોજવામાં આવે છે અને આ ગ્રાઉન્ડ એકદમ હરીયાળુ અને આજુબાજુ વિવિધ ઘટાદાર ઝાડથી ઘેરાયેલુ છે. આનુ કારણ ૧૯૯૪માં સ્કુલના હેડમાસ્ટર કીથ રીચડ્ર્સને શરૂ કરેલો ઉપક્રમ છે.

૧૯૯૦-૯૧માં આ સ્કુલમાં મેચો યોજવાની શરૂઆત થઈ. આ સ્કુલ પહાડોમાં છે અને એ વિસ્તાર ટેબલ લેન્ડ હોવાના કારણે ગ્રાઉન્ડ એક ક્રિકેટ મેદાનને છાજે એવુ નહોતુ. મેદાનની ફરતે બેસવાની પણ વ્યવસ્થા નહતી. ૧૯૯૪માં કીથ રીચર્ડસન હેડમાસ્ટર તરીકે આવ્યા અને તેમણે જાહેર કર્યુ કે સ્કુલની ક્રિકેટ મેચોમાં જે ક્રિકેટર સદી ફટકારશે અથવા મેચમાં ૭ કે એથી વધારે વિકેટ લેશે તેના નામે એક ઝાડ ઉછેરવામાં આવશે. આ યોજનાના કારણે અત્યાર સુધીમાં ૬૦થી વધારે ઝાડ ઉછેરવામાં આવ્યા છે. સ્થાનિક ક્રિકેટ હિરો ડોમેનીક ટેલોના નામે ૧૩ ઝાડ અને રીચર્ડ લેવીના નામે ૧૨ ઝાડ છે. આ મેદાનને સાઉથ આફ્રિકાના ક્રિકેટર જેક કેલીસનું નામ આપવામાં આવ્યુ છે પણ તેના નામે ૩ ઝાડ છે. સદી ફટકારનારા અને ૭ કે એથી વધારે વિકેટ લેનારા ક્રિકેટરોના નામની કોપરની તકતી પણ ઝાડ પર ફીટ કરવામાં આવે છે.

બોલર કેગીસો રબાડા પણ આ સ્કુલનો સ્ટુડન્ટ છે, પણ તેના નામે એક ઝાડ નથી. તેણે જો કે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ઘણી વિકેટ્સ લીધી છે, પણ સ્કુલમાં તે એક મેચમાં ૭ વિકેટ મેળવી શકયો નથી.

(1:04 pm IST)