Gujarati News

Gujarati News

News of Friday, 23rd March 2018

ટેસ્ટમાં કોહલી જેટલો જ પૂજારા પણ મહત્વનો ખેલાડી : ગાંગુલી

ભૂતપૂર્વ કેપ્ટને કહ્યુ કે અમારી ટીમ પાસે રાહુલ દ્રવિડ હતો તો વિરાટ પાસે પૂજારા છે જેનું કામ હરીફ ટીમના બોલરોને થકવી નાખીને રન બનાવવાનુ હોય છે, પરંતુ તેની ભૂમિકા પર કોઈનુ ધ્યાન નથી જતું

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમના ટેસ્ટ સ્પેશ્યલીસ્ટ ચેતેશ્વર પૂજારાની પ્રશંસા કરી છે. ગાંગુલીએ કહ્યુ હતું કે ટેસ્ટ ટીમમાં પૂજારા પણ વિરાટ કોહલી જેટલો જ મહત્વનો છે. આ ટીમમાં કોહલીની જેમ પૂજારાનો રેકોર્ડ પણ બહુ સારો છે. તે ટેસ્ટ ક્રિકેટમાં જૂની પરંપરાનો ખેલાડી છે. તે એવો બેટ્સમેન છે જેનું કામ બોલરોને થકવી નાખીને રન બનાવવાનું હોય છે. તે તમને મેચ જીતાડી આપે છે પણ તેની એવી ભૂમિકા પર કોઈનું ધ્યાન નથી જતું.

ગાંગુલીએ આ વાત કોલકતામાં પોતાના પુસ્તક ''અ સેન્ચુરી ઈઝ નોટ ઈનફ''ના લોકાર્પણ પ્રસંગે કરી હતી. આ કાર્યક્રમમાં પૂજારા પણ હાજર હતો. ગાંગુલીએ કહ્યુ હતું કે શ્રેષ્ઠ ટીમો પાસે સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન ત્રીજા ક્રમાંકનો હોય છે. જયારે અમે અમારી સર્વશ્રેષ્ઠ ક્રિકેટ રમ્યા હતા ત્યારે અમારી પાસે રાહુલ દ્રવિડ હતો. હવે જયારે ભારતીય ટીમ વિદેશમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી છે ત્યારે આ ટીમ પાસે પૂજારા છે.

ત્રીજા નંબરનો બેટ્સમેન બોલને જૂનો કરવાનું કામ કરે છે જેથી સ્ટ્રોક પ્લેયરો માટે સરળતા રહે. પૂજારા ટેસ્ટ ટીમમાં વિરાટ કોહલી જેટલો જ મહત્વનો છે. તેનો રેકોર્ડ આ વાતની સાબિતી પૂરી પાડે છે. તેણે ૫૭ ટેસ્ટ મેચોમાં ૧૪ સદી ફટકારી છે.

(1:03 pm IST)