Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

મહિલા ટી-૨૦ : ભારતની આજે બાંગ્લાની સામે ટક્કર

જીતના સિલસિલાને જાળવી રાખવા ભારત સજ્જ : ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની સામે જીત મેળવ્યા બાદ ભારતીય ટીમની બધી મહિલા ખેલાડીઓનો નૈતિક જુસ્સો આસમાને

પર્થ, તા.૨૩ : મહિલા ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને પ્રથમ મેચમાં પરાજિત કર્યા બાદ ભારતીય ટીમ આવતીકાલે બાંગ્લાદેશ સામે પર્થમાં ટકરાશે. કંગારુ ટીમને પરાજિત કર્યા બાદ ભારતીય ખેલાડીઓનો નૈતિક જુસ્સો આસમાને છે પરંતુ આંકડા દર્શાવે છે કે, બાંગ્લાદેશની ટીમે એશિયા કપ ટી-૨૦ મેચમાં ભારતીય ટીમ ઉપર બે વખત જીત મેળવી હતી. બાંગ્લાદેશની સામે જીતના સિલસિલાને જાળવી રાખવા માટે ભારતીય ટીમ ઉત્સુક છે. ભારતીય મહિલા ખેલાડીઓ જોરદાર ફોર્મમાં છે. લેગસ્પીનર પૂનમ યાદવની જાદુઈ બોલિંગના લીધે ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયા ઉપર ૧૭ રને જીત મેળવી હતી. ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમને પરાજિત કર્યા બાદ હરમનપ્રિત કૌરના નેતૃત્વમાં ભારતીય ટીમ બાંગ્લાદેશને હળવાશથી લેવાના મૂડમાં નથી.

         બાંગ્લાદેશે ૨૦૧૮માં ટી-૨૦ એશિયા કપમાં બે વખત ભારતને હાર આપી હતી. જેમીમા રોડ્રિક્સ અને પ્રથમ મેચમાં ૧૫ બોલમાં ૨૯ રન ફટકારનાર ૧૬ વર્ષીય શૈફાલી વર્મા એશિયા કપ ટીમનો હિસ્સો ન હતી પરંતુ બાંગ્લાદેશને પરાજિત કરવા માટે ભારતીય ટીમને વધુ સારો દેખાવ કરવો પડશે. આંકડા ઉપર નજર કરવામાં આવે તો છેલ્લી પાંચ મેચોમાં ભારતે ત્રણ અને બાંગ્લાદેશે બે મેચો જીતી છે. ભારત આવતીકાલની મેચ જીતી લેશે તો પાંચ ટીમોના ગ્રુપમાં નોકઆઉટની નજીક પહોંચી જશે. બેટિંગમાં સુધારાની જરૂર હજુ દેખાઈ રહી છે. કારણ કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ટીમ ઇન્ડિયાનો દેખાવ નબળો રહ્યો હતો અને ભારતીય ટીમે માત્ર ૧૩૨ રન કર્યા હતા. વર્લ્ડકપથી પહેલા ત્રિકોણીય શ્રેણીથી જ ભારતીય બેટ્સમેનો સતત સારો દેખાવ કરી શકી નથી. પૂનમ યાદવે ૧૯ રન આપીને ચાર વિકેટ ન લીધી હોત તો ઓસ્ટ્રેલિયાની સામે ભારતની સ્થિતિ નાજૂક બનેલી હતી.

         દિપ્તી શર્માએ ઓસ્ટ્રેલિયાની સામે ૪૬ બોલમાં ૪૯ રન કર્યા હતા તે ફોર્મને જાળવી રાખવા પ્રયાસ કરશે. શીખા પાંડે પાસેથી પણ સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કેપ્ટન હરમનપ્રિત કૌરે કહ્યું છે કે, હવે ભારતીય ટીમ કોઇ એક બે ખેલાડીઓ ઉપર આધારિત નથી. ૨૬ વર્ષીય બાંગ્લાદેશ તરફથી ફરગાના હક જોરદાર દેખાવ કરી રહી છે. તેના નામ ઉપર ટ્વેન્ટી મેચમાં સદી પણ છે. બાંગ્લાદેશની સૌથી અનુભવી ખેલાડી અને કેપ્ટન સલમા ખાતુન બેટિંગની સાથે સાથે બોલિંગમાં પણ જોરદાર દેખાવ કરી રહી છે. ગ્રુપ એની અન્ય એક મેચમાં ઓસ્ટ્રેલિયાની ટક્કર શ્રીલંકા સામે થશે. બંને ટીમો હજુ સુધી પોતાની પ્રથમ મેચ આ વર્લ્ડકપમાં જીતી શકી નથી. શ્રીલંકાને શનિવારના દિવસે ન્યુઝીલેન્ડે સાત વિકેટે હાર આપી હતી. બંને ટીમો નીચે મુજબ છે.

ભારત : હરમનપ્રિત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, જેમીમા રોડ્રિક્સ, દિપ્તી શર્મા, શૈફાલી વર્મા, પૂનમ યાદવ, રાધા યાદવ, કાનિયા ભાટિયા, હરલીન દેઓલ, રાજેશ્વરી ગાયકવાડ, રિચા ઘોષ, વેદાકૃષ્ણમુર્તિ, શીખા પાંડે, અરુંધતિ રેડ્ડી, પૂજા વસ્ત્રાકર

બાંગ્લાદેશ : સલમા ખાતુન (કેપ્ટન), રુમાના અહેમદ, આઈશા રહેમાન, ખાતીમા ખાતૂન, ફરગના હક, જહાઆરા આલામ, ખદીજા તુલકુબરા, શોભના મોસ્તરી, મુર્શિદા ખાતૂન, નાહીદા અખ્તર, નિગાર સુલ્તાના,પન્ના ઘોષ, રિતુ મોની, સંજીદા ઇસ્લામ, શમીમા સુલ્તાના.

(7:57 pm IST)