Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

અમને જે પણ પૈસા મળે છે તેની કમાણી પુરૂષ ક્રિકેટથી થાય છે, જે દિવસે મહિલા ક્રિકેટ કમાણી કરવા લાગશે, હું સૌથી પહેલા ત્યારે સમાન વેતનની વાત કરીશઃ સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના

નવી દિલ્હીઃ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ કહ્યું કે, તેને પુરૂષ ખેલાડીઓની તુલનામાં ઓછા પૈસા મળવાથી કોઈ મુશ્કેલી નથી. મંધાનાએ કહ્યું કે, તે સમજે છે કે તેને જે પણ આવત મળે છે તે પુરૂષ ક્રિકેટથી થાય છે.

આઈસીસીની મહિલા ક્રિકેટર ઓફ ધ યર રહેલી મંધાનાએ બુધવારે કહ્યું કે, 'અમારે તે સમજવાની જરૂર છે કે અમને જે પણ પૈસા મળે છે તેની કમાણી પુરૂષ ક્રિકેટથી થાય છે. જે દિવસે મહિલા ક્રિકેટ કમાણી કરવા લાગશે, હું સૌથી પહેલા સમાન વેતનની વાત કરીશ. પરંતુ અત્યારે અમે તે ન કહી શકીએ.'

બીસીસીઆઈના ટોપ બ્રેકેટમાં આવનારા પુરૂષ ક્રિકેટરોને કોન્ટ્રાક્ટ તરીકે વર્ષના સાત કરોડ રૂપિયા મળે છે. તો એક મહિલા ક્રિકેટરને વર્ષે 50 લાખ રૂપિયા મળે છે. મંધાનાએ કહ્યું, 'મને નથી લાગતું કે અમારી ટીમની કોઈપણ સભ્ય હાલ આ અંતર વિશે વિચારી રહી છે. અમારૂ સંપૂર્ણ ધ્યાન ભારત માટે મેચ જીતવા પર અને લોકોને મેદાન પર લાવવા પર છે. તેનાથી કમાણી થશે. અમે હાલ તેના પર ધ્યાન આપી રહ્યાં છીએ અને જો તેમ થાય તો બાકીની વસ્તુ સીધી રીતે સેટ થઈ જશે.'

તેણે કહ્યું કે, આ માટે અમારે સારૂ પ્રદર્શન કરવું પડશે. ડાબા હાથના આ બેટ્સમેને કહ્યું કે, અમારા માટે સમાન વળતરની વાત કરવી યોગ્ય હશે નહીં. હું આ અંતર પર કોઈ પ્રતિક્રિયા આપવા ઈચ્છીશ નહીં.

ભારતે ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ ટી20ની શરૂઆત પહેલા ત્રિકોણીય સિરીઝમાં ભાગ લેવાનો છે. મંધાનાએ કહ્યું કે, વર્લ્ડ કપ માટે ટીમ ફાઇનલ કરવામાં આ ટૂર્નામેન્ટની મહત્વની ભૂમિકા રહેશે. મંધાનાએ કહ્યું કે, કોચ ડબ્લ્યૂવી રમને તેને કહ્યું કે, વનડેમાં તેણે 30 ઓવર અને ટી20માં ઓછામાં ઓછી 12 ઓવર સુધી બેટિંગ કરવાની છે. જો હું તેમ કરવામાં સફળ થાવ તો મોટો સ્કોર બનાવવામાં પણ સફળ થઈશ.

(5:02 pm IST)