Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ઓસ્ટ્રેલિયા છે સૌથી નબળું વર્લ્ડ ચેમ્પિયન?

ઈંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝ હાર્યા બાદ કાંગારૂ ટીમમાં મોટાપાયે ફેરફાર કરવાની ચીફ સિલેકટરે આપી ચિમકી : ૨૦૧૫માં ટ્રોફી જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા કુલ ૫૦માંથી માત્ર ૨૬ મેચમાં જ જીતી શકયુ તો છેલ્લી ૧૧માંથી ૧૦ વન-ડે હાર્યુ

ઓસ્ટ્રેલિયાની ટીમના ચીફ સિલેકટર ટ્રેવર હોન્સના જણાવ્યા પ્રમાણે છેલ્લી ૧૧ પૈકી ૧૦ મેચમાં મળેલી હારને જોતાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પોતાની વન-ડે ટીમમાં મોટા ફેરફાર કરશે.  ૨૦૧૫માં વર્લ્ડ કપ જીત્યા બાદ રમેલી કુલ ૫૦ મેચ પૈકી માત્ર ૨૬ મેચ જ જીતી શકયુ છે.

સિડનીમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રેવર હોન્સે કહ્યું હતું કે આ સીરીઝમાં અમે સારૂ પ્રદર્શન નથી કરી શકયા. ટીમમાં કંઈક ખુટતુ હોય એવું લાગે છે.

૫૦ ઓવરના ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાની આ ખરાબ હાલત સમગ્ર દુનિયા જોઈ રહી છે. ન્યુઝીલેન્ડના ન્યુઝપેપર 'હેરલ્ડે' એવો સવાલ પણ પૂછ્યો હતો કે શું આ વિશ્વનું સૌથી નબળુ વર્લ્ડ ચેમ્પિયન છે? જો કે આંકડાઓ મુજબ ૧૯૮૩માં વર્લ્ડકપ જીતનાર ભારતનો ૧૯૮૭ સુધીનો દેખાવ ઓસ્ટ્રેલિયા કરતા પણ નબળો હતો. વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ એ માત્ર કુલ ૭૩ પૈકી ૩૨ મેચ જ જીતી શકયુ હતું.

(12:44 pm IST)