Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

પુણેની ખુશી બની ભારતની યંગેસ્ટ ફ્રીડાઈવર

પુણેની ખુશી પરમારને સમુદ્ર સાથે પાંચ વર્ષની ઉંમરે લગાવ થઈ ગયો હતો. સમય સાથે તેનો આ લગાવ પેશનમાં પરિવર્તિત થઈ ગયો છે. ૧૬ વર્ષની ખુશીએ ભારતની સૌથી યુવાન સર્ટીફાઈડ ફ્રીડાઈવર બનવાની સિદ્ધિ મેળવી છે. ખુશીને ભારતની યંગેસ્ટ ફ્રીડાઈવીંગનું સર્ટીફીકેટ બોડી ઈન્ટરનેશનલ સ્કુબા સ્કુલ પાસેથી મળ્યુ હતું. ખુશીને ફ્રીડાઈવીંગની ટ્રેઈનીંગ ગોવાના કલુંગટના મારીયો ફર્નાન્ડીસે આપી. મારીયો બોડી ઈન્ટરનેશનલ સ્કુબા સ્કુલમાંથી લેવલ ટુનો કોર્સ કરીને ભારતના પહેલા ફ્રીડાઈવીંગ ઈન્સ્ટ્રકચર છે. આ સ્કુલના ભારતના ક્ષેત્રીય નિર્દેશક નીલ ફ્રાન્સીસે કહ્યું હતું કે મને ખુશી પર ખૂબ ગર્વ છે. તે ખૂબ હોનહાર અને મહત્વાકાંક્ષી ખેલાડી છે. તે ભારતમાં સ્કુબા ડાઈવર્સ, સ્વિમર્સ અને ફ્રીડાઈવર્સ માટે રોલમોડલ છે. અમને આશા છે કે તે આગળ ઘણી અચીવમેન્ટ્સ મેળવશે. ૨૦૨૦ની ૧૮ મેએ જયારે તે ૧૮ વર્ષની થશે ત્યાં સુધીમાં ઘણા રેકોર્ડ તોડશે.

રેકોર્ડ તોડવામાં ઉસ્તાદ

ખુશી રેકોર્ડ તોડવામાં ઉસ્તાદ છે. તે ૧૪ વર્ષની હતી ત્યારે તેને બ્રિટનની વર્લ્ડ રેકોર્ડ્સ યુનિવર્સિટી તરફથી સ્વિમીંગમાં ડોકટરેટની પદવી મળી હતી. આ પદવી તેને સ્કુબા ડાઈવીંગ, એરોબિકસ અને સ્વિમીંગમાં ૭ રેકોર્ડ બનાવવા બદલ મળી હતી. ખુશી નેશનલ અન્ડરવોટર ફેડરેશન કપ ૨૦૧૮માં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. તેણે છોકરીઓની યુ-૧૭ની ૧૦૦ મીટર ડાઈવીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ભવિષ્યની તૈયારી વિશે જણાવ્યુ કે તે પણ તેના ટ્રેઈનર ફર્નાન્ડીસની જેમ સ્કુબા ડાઈવીંગ ઈન્સ્ટ્રકચર બનવા માગે છે. અત્યારે તે બારમા ધોરણમાં છે અને ભણવા પર પણ ફોકસ કરી રહી છે.

ફ્રીડાઈવીંગ એટલે શું?

ફ્રીડાઈવીંગ એટલે પાણીની અંદર જઈને અમુક સમય ઓકિસજન વગર વિતાવવો. આમાં સ્વિમર શકય હોય ત્યાં સુધી શ્વાસ રોકીને રહે છે. સ્કુબા ડાઈવીંગમાં સ્વિમર પોતાની સાથે ઓકિસજન ટેન્ક અને બીજા ઈકિવપમેન્ટ એટલે ઉપકરણ પાણીની અંદર લઈ જઈ શકે છે, ફ્રી ડાઈવીંગમાં સ્વિમર કોઈ ઈકિવપમેન્ટ અંદર નથી લઈ જતા. ફ્રી ડાઈવર તરવા માટે પગમાં ફીન પહેરે છે.

(3:31 pm IST)