Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ભારતીય ડ્રેસીંગ રૂમમાં 3 મહિના બાદ જોવા મળ્‍યો ધોનીઃ શાષાી સાથે કરી મુલાકાત

રાંચીઃ ભારતે આફ્રિકાને રાંચી ટેસ્ટમાં ચોથા દિવસે માત્ર બે ઓવરમાં હરાવી દીધું હતું. ભારતીય ટીમ જીતથી માત્ર બે વિકેટ દૂર હતી જે તેણે 12 બોલમાં હાંસિલ કરી લીધી હતી. આ સાથે ભારતે ત્રણ મેચોની ટેસ્ટ સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી છે.

ત્રીજા દિવસે આફ્રિકાનો સ્કોર 132/8 હતો. પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા નદીમે ચોથા દિવસે પોતાની પ્રથમ ઓવરમાં બાકી બે વિકેટ લઈને ભારતને ઈનિંગ અને 202 રનથી જીત અપાવી હતી.

ભારતીય ટીમે આફ્રિકાને પ્રથમવાર સિરીઝમાં ક્લીન સ્વીપ કરી છે. ટીમ જ્યારે જીતનો જશ્ન મનાવી રહી હતી ત્યારે એક ખાસ મહેમાને ડ્રેસિંગ રૂમમાં જઈને ટીમને શુભેચ્છા આપી હતી. આ વ્યક્તિ અન્ય કોઈ નહીં ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની હતી. ટીમના કોચ રવિ શાસ્ત્રી અને એમએસ ધોનીનો એક ફોટો બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ધોનીની એક તસવીર ટ્વીટ કરી છે, જેમાં તે શાહબાઝ નદીમ સાથે વાત કરી રહ્યો છે. નદીમ પણ ઝારખંડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે.

ધોનીએ આ વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલા વનડે આંતરરાષ્ટ્રીય વિશ્વકપની સેમિફાઇનલમાં ટીમની હાર બાદથી કોઈ મેચ રમી નથી. તેની યોજનાઓ વિશે ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. બીસીસીઆઈના બનનારા અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તે 23 ઓક્ટોબરે પદ સંભાળ્યા બાદ પસંદગી સમિતિ સાથે ધોનીના ભવિષ્ય વિશે વાત કરશે.

(5:44 pm IST)