Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

પત્રકાર પરિષદમાં ધોની અને ગાંગુલીના સવાલ ઉપર કોહલી હસવા લાગ્‍યોઃ રાંચી ટેસ્‍ટ બાદ કેપ્‍ટન હળવા અંદાજમાં જોવા મળ્‍યો

રાંચીઃ વિરાટ કોહલી દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સિરીઝમાં જીત બાદ પત્રકાર પરિષદમાં મજાકભર્યા અંદાજમાં જોવા મળ્યો હતો. મંગળવારે રાંચીમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સિરીઝની ત્રીજી મેચમાં જીત બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન કોહલીને ગાંગુલી વિશે પૂછવામાં આવ્યું તો કોહલીએ હસતા હસતા જવાબ આપ્યો હતો.

પત્રકારોએ કોહલીને પૂછ્યું કે બીસીસીઆઈના બનનારા અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, તે પદ સંભાળ્યા બાદ એમએસ ધોનીના ભવિષ્ય વિશે કોહલી સાથે વાત કરશે. તેના પર વિરાટે હસતા હસતા કહ્યું, 'મેં તેમને શુભેચ્છા આપી છે. તે સારી વાત છે કે તેઓ બીસીસીઆઈના અધ્યક્ષ બની રહ્યાં છે પરંતુ તેમણે મારી સાથે હજુ વાત કરી નથી. જ્યારે તેમણે મારી સાથે વાત કરવી હશે તો જરૂર કરશે.'

જીત બાદ વિરાટ કોહલીને એક રિપોર્ટરે પૂર્વ કેપ્ટન એમએસ ધોની સાથે મુલાકાત પર સવાલ પૂછ્યો. રિપોર્ટરે પૂછ્યું કે જ્યારે મેચ ચાર દિવસમાં સમાપ્ત થઈ ગઈ છે તો શું તે એમએસ ધોનીની સાથે મુલાકાત કરશે. વિરાટે તેના પર કહ્યું, ધોની ચેન્જ રૂમમાં છે, આવો તમે પણ હેલ્લો કહી દો. હકીકતમાં, રાંચી ધોનીનું ગૃહનગર છે અને તે મેચના ચોથા દિવસે ડ્રેસિંગ રૂમમાં જોવા મળ્યો હતો. ધોનીએ પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા શાહબાઝ નદીમ અને કોચ રવિ શાસ્ત્રી સાથે મુલાકાત કરી હતી.

ધોનીએ હાલમાં ક્રિકેટથી બ્રેક લીધેલો છે. તે છેલ્લે વિશ્વકપમાં ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલમાં મેદાન પર ઉતર્યો હતો. ત્યારબાદ તે વેસ્ટ ઈન્ડિઝ અને આફ્રિકા સામે સિરીઝમાં રમ્યો નથી.

ભારતીય ટીમ હવે 3 નવેમ્બરથી બાંગ્લાદેશની યજમાની કરશે. તેમાં ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય અને બે ટેસ્ટ મેચ રમાશે.

(5:39 pm IST)