Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

હું આ મુશ્‍કેલ પરિસ્‍થિતિમાં દેશની સેવા કરવા ઇચ્‍છુ છુઃ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા જાણીતા ફૂટબોલર મેહતાબ હુસૈન ભાજપમાં જોડાયા

કોલકત્તાઃ જાણીતા ફુટબોલર મેહતાબ હુસૈન પશ્ચિમ બંગાળ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયો છે અને તેમણે દેશની સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. મેહતાબ (34) દેશની મુખ્ય ક્લબો સાથે રમતો રહ્યો છે, જેમાં ઈસ્ટ બંગાળ અને મોહન બાગાન પણ સામેલ છે. તેમને પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ એ ભાજપનું સભ્ય પદ સોંપ્યું છે.

મિડફીલ્ડરના રૂપમાં રમનાર મેહતાબે રાજનીતિમાં આવ્યા બાદ કહ્યુ કે, તેઓ દેશની સેવા કરવા ઈચ્છે છે. તેમણે કહ્યુ, 'હું આ મુશ્કેલ પરિસ્થિતિમાં દેશની સેવા કરવા ઈચ્છુ છું, તેથી મેં ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો. મેહતાબનો જન્મ 5 સપ્ટેમ્બર 1985મા કોલકત્તામાં થયો હતો. તે 10 સીઝન સુધી ઈસ્ટ બંગાળ માટે ફુટબોલ રમ્યો, આ દરમિયાન ટીમ 3 વખત ફેડરેશન કપની ચેમ્પિયન બની હતી.'

આ સિવાય તે 2005થી લઈને 2015 સુધી ભારતીય ફુટબોલ ટીમનો સભ્ય પણ રહ્યો હતો. ટીમ ઈન્ડિયા તરફથી તેણે 31 મેચ રમી અને બે ગોલ કર્યા હતા. ઈન્ડિયન સુપર લીગમાં 2014થી 2016 વચ્ચે તેણે કેરલા બ્લાસ્ટર્સ માટે 38 મેચ રમી હતી. ઉલ્લેખનીય છે કે 2021મા પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ભાજપે આ માટે તમામ શક્તિ કામે લગાવી દીધી છે. તો હવે આ સ્ટાર ફુટબોલરને સામેલ કરીને ભાજપ તેમની લોકપ્રિયતાનો પણ ફાયદો મેળવવા પ્રયાસ કરશે.

(5:14 pm IST)