Gujarati News

Gujarati News

News of Sunday, 22nd July 2018

શ્રીલંકા કિલ્લા માટે પોતાનાં લકી ગોલ સ્ટેડિયમનું પેવેલિયન તોડી નાખશે : હેરીટેજ લોના ઉલ્‍લંધન થતો હોવાનું બહાર આવતા આ પગલું લઇ શકે

કોલંબો: ક્રિકેટના સુંદર સ્ટેડિયમોમાં સામેલ શ્રીલંકાનાં ગોલ સ્ટેડિયમનાં પેવેલિયનને હેરિટેજ લોના ઉલ્લંઘન બદલ ધ્વસ્ત કરવામાં આવી શકે છે. સરકારે કહ્યું કે, સ્ટેડિયમના એક પેવેલિયનથી ૧૭મી સદીના ડચ ફોર્ટને નુકસાન થઈ રહ્યું છે.

આ કિલ્લાનું નિર્માણ પોર્ટુગલના વસાહતીઓએ ૧૫૦૫માં કર્યું હતું, તે પછી નેધરલેન્ડ્સના વસાહતીઓએ તેઓને અહીંથી બહાર કરી દીધા હતા અને અન્ય ઇમારતોનું નિર્માણ કર્યું હતું. દેશના સંસ્કૃતિમંત્રી વિજયાદાસ રાજપક્ષેએ સંસદમાં કહ્યું કે, સ્ટેડિયમમાં ગેરકાયદે નિર્માણ કરવામાં આવ્યું છે અને તેમાં ૫૦૦ સીટનું પેવેલિયન પણ સામેલ છે. જેનાથી યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજનો દરજ્જો ખોવાનો ખતરો છે. તેઓએ કહ્યું કે, આપણે નિર્ણય કરવાનો છે કે, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજના દરજ્જાને જાળવી રાખવા માગીએ છીએ કે, પેવેલિયનને. ગોલ સ્ટેડિયમ બેસવાની વ્યવસ્થાને કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે.

રાજપક્ષેએ જોકે, કહ્યું કે, સરકાર કોલંબોથી ૧૧૫ કિલોમીટર દૂર સાઉથમાં ગોલમાં એક અન્ય સ્ટેડિયમ તૈયાર કરવાની યોજના બનાવી રહી છે. સ્પિનરો માટે મદદગાર ગોલ સ્ટેડિયમનું નિર્માણ ૧૯૯૮માં થયું હતું. આ મેદાન શ્રીલંકા માટે ઘણું ભાગ્યશાળી રહ્યું છે. અહીં શ્રીલંકાએ ૩૧ ટેસ્ટ મેચ રમી છે જે પૈકી ૧૮ મેચ જીતી છે. સાત મેચમાં હાર મળી છે જ્યારે છ મેચ ડ્રો કરી છે. તાજેતરમાં જ શ્રીલંકાએ આ મેદાન પર સાઉથ આફ્રિકા સામે ૨૭૮ રને વિજય મેળવ્યો હતો.

આ મેદાન પર શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરને ૨૦૧૦માં ભારત સામેની મેચ દરમિયાન ઐતિહાસિક ૮૦૦મી વિકેટ ઝડપી હતી. તેના છ વર્ષ પહેલાં ઓસ્ટ્રેલિયાના મહાન બોલર શેન વોર્ને આ મેદાન પર ૫૦૦મી વિકેટ ઝડપવાની સિદ્ધિ પણ મેળવી હતી.

(3:56 pm IST)