Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

સુદીરમન કપમાં ભારતનો મલેશિયા સામે 2-3થી પરાજય

નવી દિલ્હી: ભારતીય બેડમિન્ટન ટીમને સુદીરમન કપમાં પોતાના પ્રથમ મુકાબલામાં મલેશિયા સામે ૨-૩થી પરાજયનો સામનો કરવો પડયો હતો. મિક્સ ટીમ ચેમ્પિયનશિપમાં હજુ સુધી એક પણ મેડલ જીતી નહીં શકનાર ભારતીય ટીમ માટે સ્ટાર ખેલાડી પીવી સિંધુએ સિંગલ્સમાં તથા સાત્વિકસાઇરાજ રેંકીરેડ્ડી તથા અશ્વિની પોનપ્પાની જોડીએ મિક્સ ડબલ્સમાં મેચ જીતી હતી. અન્ય ત્રણ મેચમાં ભારતને પરાજયનો સામનો કરવો પડયો હતો. પ્રથમ મેચમાં રેંકીરેડ્ડી તથા પોનપ્પાએ મલેશિયાના ગોલ શેવોન તથા લાઇ જિમીની જોડી સામે ૧૬-૨૧, ૨૧-૧૭, ૨૪-૨૨થી વિજય મેળવ્યો હતો. મેન્સ સિંગલ્સમાં ભારતને નિરાશા સાંપડી હતી. સમીર વર્માનો હરીફ ખેલાડી લી ઝી જિયા સામે ૧૩-૨૧, ૧૫-૨૧થી પરાજય થયો હતો. પીવી સિંધુએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને ભારતને ફરીથી સરસાઇ અપાવી હતી. તેણે સિંગલ્સની એકતરફી મેચમાં મલેશિયાની ગોહ જિત વેઇને ૨૧-૧૨, ૨૧-૮થી હરાવી હતી. મલેશિયન ટીમે વળતો પ્રહાર કરીને ચોથો મુકાબલો જીતીને સ્કોર સરભર કર્યો હતો.મેન્સ ડબલ્સમાં મનુ અત્રી અને સુમિત રેડ્ડીને એરોન ચિયા તથા તીઓ યીની જોડીએ ૨૦-૨૨ ૧૯-૨૧થી હરાવી હતી. છેલ્લા મુકાબલામાં અશ્વિની પોનપ્પા તથા એન. સિક્કી રેડ્ડીની શરૂઆત ખરાબ રહી હતી અને પ્રથમ ગેમ ૧૧-૨૧થી હારી ગઇ હતી. બીજી ગેમમાં એક સમયે લીડ મેળવ્યા બાદ બીજી ગેમ પણ ૧૯-૨૧ના સ્કોરથી ગુમાવી દીધી હતી. ભારતનો આગામી મુકાબલો ચીન સામે થશે જે એક મેચ જીતીને ગ્રૂપ-૧ ડીમાં ટોચના સ્થાને છે.

(5:37 pm IST)