Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ: પોતાનો જ રેકોર્ડ તોડ્યો દૂતી ચંદે

નવી દિલ્હી: ભારતીય એથ્લીટ દુતી ચંદે દોહામાં શરૃ થયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપની હિટ્સમાં પોતાનો જ નેશનલ રેકોર્ડ તોડીને ૧૦૦ મીટરની મહિલાઓની દોડની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. જોકે ભારતની જુનિયર એથ્લેટિક્સની ગોલ્ડ મેડાલીસ્ટ હિમા દાસ ઈજાગ્રસ્ત બની ગઈ હતી અને મહિલાઓની ૪૦૦ મીટરની હિટ્સમાંથી જ બહાર ફેંકાઈ હતી. દોહામાં ચાલી રહેલી એશિયન એથ્લેટિક્સની મહિલાઓની ૧૦૦ મીટરની હિટ્સમાં દુતી ચંદે ૧૧.૨૮ સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ દેખાવને સહારે સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ સાથે તેણે તેનો પોતાનો ૧૧.૨૯ સેકન્ડનો નેશનલ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. દુતીએ ગત વર્ષે જ ૧૧.૨૯ સેકન્ડનો નવો નેશનલ રેકોર્ડ નોંધાવ્યો હતો. વર્ષ ૨૦૧૮ની જકાર્તા-પાલેમ્બાગ એશિયન ગેમ્સમાં દુતી ચંદે મહિલાઓની ૧૦૦ મીટરની દોડમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જે ૧૯૯૮ બાદનો ભારતનો આ ઈવેન્ટનો સૌપ્રથમ મેડલ હતો. અગાઉ ભારતની જુનિયર એથ્લેટિક્સની વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનારી હિમા દાસ ઈજાગ્રસ્ત બનતાં ૪૦૦ મીટરની ઈવેન્ટમાં તે ગોલ્ડ મેડલની રેસમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. હિમા ઈજાના કારણે સેમિ ફાઈનલ રેસ પુરી પણ કરી શકી નહતી અને તેને ટ્રેક છોડવો પડયો હતો. જોકે ભારતની એમ.આર. પૂવામ્માએ ૫૨.૪૬ સેકન્ડના સમય સાથે ફાઈનલમાં એન્ટ્રી મેળવી હતી. પુરુષોની ૪૦૦ મીટરની રેસમાં ભારતના મુહમ્મદ અનસ અને રાજીવ અરોકિયાએ ફાઈનલમાં એન્ટ્રી મેળવી લીધી હતી. જ્યારે ૮૦૦ મીટરની રેસમાં ભારતનો જિન્સન જોન્સન અને ગોમારી મારીમુથુ પણ ફાઈનલમાં પ્રવેશ્યા હતા. એશિયાડના ગોલ્ડ મેડાલીસ્ટને સીધા જ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ક્વોલિફાય થઈ જશે. 

(6:28 pm IST)