Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ખેલાડીઓની શું ભૂલ હતી?

૨૦૧૩ આઈપીએલ મેચ ફિકસીંગ મામલે ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ પૂછ્યો સવાલ :મેનેજમેન્ટની સંડોવણીને કારણે ચેન્નઈની ટીમ પર બે વર્ષ માટે મૂકાયો હતો પ્રતિબંધ

૨૦૧૩ આઈપીએલ મેચ-ફિકિસંગ પ્રકરણને પોતાના જીવનનો સૌથી ખરાબ સમય ગણાવતાં મહેન્દ્ર સિંહ ધોનીએ સવાલ પૂછ્યો હતો કે ખેલાડીઓની શું ભૂલ હતી? બે વખત વર્લ્ડ કપ વિજેતા કેપ્ટને રોર ઓફ ધ લાયન નામની ડોકયુમેન્ટરી ફિલ્મમાં આ મામલે પહેલી વખત ખૂલીને વાત કરી હતી. મેનેજમેન્ટની ભૂમિકાને કારણે ચેન્નઈ સુપર કિંગ્સ પર બે વર્ષ માટે પ્રતિબંધ મુકાયો હતો.

ધોનીએ કહ્યું હતું કે વર્ષ ૨૦૧૩ મારા જીવનનો સૌથી કપરો સમય હતો. હું કયારેય એટલો નિરાશ નહોતો થયો જેટલો એ સમયે થયો હતો. આ પહેલાં ૨૦૦૭ વર્લ્ડ કપમાં પણ નિરાશ થયો હતો જયારે અમે ગ્રુપ સ્ટેજમાં જ હારી ગયા હતા, પરંતુ એ સમયે અમે ખરાબ ક્રિકેટ રમ્યા હતા. ૨૦૧૩માં વાત અલગ હતી.

ધોનીએ હોટસ્ટાર પણ પ્રસારિત ડોકયુમેન્ટરીના પહેલા એપિસોડ વોટ ડિડ વી ડુ રોન્ગમાં કહ્યું હતું કે ખેલાડીઓને ખબર હતી કે આકરી સજા મળવાની છે, પરંતુ માત્ર એ જાણવું હતું કે સજા કેટલી મળશે? ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ પર બે વર્ષ માટે પ્રતિબંધ મુકાયો હતો. ઘણી વખત તમે બધી જવાબદારી પોતાના પર લઈ લો છે. કેપ્ટન તરીકે મારો એજ સવાલ હતો કે ટીમની શું ભૂલ હતી? અમારા માલિકોએ ભૂલો કરી હતી કે શું કોઈ ખેલાડી એમાં સામેલ હતો? ખેલાડીઓની શું ભૂલ હતી કે તેમણે આ બધુ સહન કરવું પડ્યું. ફિકિસંગની વાતોમાં મારું નામ પણ ઉછાળવામાં આવ્યું હતું. એવી રીતે વાતો રજૂ કરવામાં આવતી હતી કે હું પણ આ વિવાદમાં સામેલ છું.(૩૭.૧૧)

(3:27 pm IST)