Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ટીમ ઈન્ડિયાનો ૧૬૫માં ઢાળીયોઃ ન્યુઝીલેન્ડ ૨૧૬/૫

વેલીંગ્ટન ટેસ્ટ દિવસ-૨: ભારતીય બેટસમેનોનો ધબડકો યથાવતઃ વિલીયમ્સનના ૮૯ રનઃ ઈશાંતને ૩, શમી- અશ્વિનને ૧-૧ વિકેટ

વેલીંગ્ટનઃ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ મેચમાં બીજા દિવસે પણ ભારતીય ટીમનો ધબડકો યથાવત રહ્યો છે. આખી ટીમ માત્ર ૧૬૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. બીજા દિવસની રમતના અંતે ન્યુઝીલેન્ડે ૫ વિકેટે ૨૧૬ રન બનાવી લીધા છે અને ૫૧ રનની લીડ પણ મેળવી લીધી છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વેલિંગ્ટનમાં રમાઇ રહેલી બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતીય ટીમ માત્ર ૧૬૫ રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પ્રથમ દિવસે ભારતે ૫ વિકેટે ૧૨૨ રન બનાવ્યા હતા. ભારત તરફથી સૌથી વધુ ૪૬ રન અજિંકય રહાણેએ બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા કાઇલ જૈમિસને ૪ વિકેટ ઝડપી હતી. જયારે ટીમ સાઉથીએ પણ ૪ વિકેટ ઝડપી હતી.

બીજા દિવસે રમત પૂર્ણ થવા સુધી ન્યૂઝીલેન્ડ ૫ વિકેટ પર ૨૧૬ રન બનાવ્યા હતા. કોલિન ડી ગ્રાન્ડહોમ અને જે વોટલિંગ બેટિંગ કરી રહ્યા છે. પ્રથમ ઇનિંગ્સના આધાર પર ન્યૂઝીલેન્ડની ટીમ પાસે ૫૧ રનની લીડ છે. કેન વિલિયમસને ૯૩ બોલમાં ૬ ફોરની મદદથી પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. આ ભારત વિરૂદ્ઘ તેની ૧૭મી ટેસ્ટ અડધી સદી છે. આ એક અડધી સદી સાથે તેણે ભારત વિરૂદ્ઘ રોસ ટેલરના સૌથી વધુ ૧૭ અડધી સદીની બરાબરી કરી લીધી છે.

ન્યૂઝીલેન્ડની ટીમે બીજા દિવસે લંચ પર ગયા પહેલા વિના વિકેટે ૧૭ રન બનાવ્યા હતા. ટોમ લાથમ (૧૧) અને ટોમ બ્લંડેલ (૬) બેટિંગ કરી રહ્યા હતા. લંચ બાદ ઇશાંત શર્માએ લેથમની વિકેટ મેળવી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. ૩૦ બોલમાં લેથમ ૧૧ રન બનાવી વિકેટ પાછળ રિષભ પંતને કેચ આપી બેઠો હતો. ઇશાંતે બ્લંડેલને બોલ્ડ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી.

૧૦૦મી ટેસ્ટ મેચ રમી રહેલા રોસ ટેલરની વિકેટ પણ ઇશાંત શર્માએ ઝડપી હતી. ૪૪ રનના સ્કોર પર ટેલરને ચેતેશ્વર પૂજારાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તે બાદ બેટિંગ કરી રહેલા કેપ્ટન કેન વિલિયમસનને મોહમ્મદ શમીએ ૮૯ રને આઉટ કર્યો હતો. આર.અશ્વિને મેચમાં પ્રથમ વિકેટ ઝડપતા હેનરી નિકોલસને ૧૭ રને કેપ્ટન કોહલીના  હાથે કેચ આઉટ કરાવ્યો હતો.

ઈશાંત શર્માએ ૩, અશ્વિન અને શમીને ૧-૧ વિકેટ મળી છે. બીજા દિવસના અંતે ન્યુઝીલેન્ડને ૫૧ રનની લીડ મળી છે.(૩૦.૧૫)

(3:55 pm IST)