Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

શનિવારની ટ્વેન્ટી મેચ હવે ફાઇટ ટુ ફિનિશ સમાન હશે

બીજી ટ્વેન્ટી મેચ આફ્રિકાએ જીતી લીધી : ભારતને મેચમાં કરવામાં આવેલ કેટલીક ભુલ ભારે પડી

સેન્ચુરિયન,તા. ૨૨ : સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી ટ્વેન્ટી મેચ યજમાન દક્ષિણ આફ્રિકાએ જીતીને શ્રેણીને સજીવન રાખવામાં સફળતા મેળવી છે. જેથી હવે શનિવારના દિવસે રમાનારી ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી મેચ ફાઇટ ટુ ફિનિસ સમાન બની રહેશે. હાલમાં ટ્વેન્ટી શ્રેણી ૧-૧થી બરોબર છે. હેનરીક ક્લાસેનના ૬૯ રન અને ડ્યુમિનીના ૬૪ રનની મદદથી યજમાન ટીમે ભારતને બીજી ટ્વેન્ટી મેચમાં છ વિકેટે હાર આપી હતી. ત્રીજી મેચ કેપટાઉન ખાતે શનિવારે રમાશે. ભારતે મનિષ પાન્ડેના ૭૯ રન અને મહેન્દ્રસિંહ  ધોનીના અણનમ ૫૨ રનની મદદથી ૧૮૯ રન કર્યા હતા. જો કે આફ્રિકાએ આઠ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ મંચ જીતી લીધી હતી. ક્લાસેને સાત છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ડ્યુમિનીએ ચાર ચોગ્ગા અને ત્રણ  છગ્ગાની મદદથી આ રન કર્યા હતા. ધોની અને પાન્ડેએ ૯.૨ ઓવરમાં ૯૮ રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતીય ટીમ પ્રથમ મેચ ૨૮ રને જીતી લીધી હતી. પ્રથમ ટ્વેન્ટી મેચ જીતતા પહેલા ભારતે યજમાન દક્ષિણ આફ્રિકા પર વનડે શ્રેણી ૫-૧થી જીતી લેવામાં સફળતા મેળવી હતી. તે પહેલા પોર્ટ એલિઝાબેથ મેદાન ખાતે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની પાંચમી વન ડે મેચમાં ભારતે જોરદાર દેખાવ કરીને યજમાન આફ્રિકા પર ૭૩ રને શાનદાર જીત મેળવી હતી. આની સાથે જ ભારતે ૨૫ વર્ષમાં પ્રથમ વખત વનડે શ્રેણી જીતવામાં સફળતા મેળવી હતી. જોહાનીસબર્ગ ખાતે ૧૦મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી ચોથી વનડે મેચમાં ખરાબ વાતાવરણ અને વરસાદના લીધે ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે દક્ષિણ આફ્રિકાએ ભારત ઉપર ૧૫ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે પાંચ વિકેટે જીત મેળવીને વનડે શ્રેણીમાં લીડ કાપી હતી. આ મેચમાં ભારતે સાત વિકેટે ૨૮૯ રન સાત વિકેટ ગુમાવીને બનાવ્યા હતા. શિખર ધવને ૧૦૦મી વનડે મેચ રમતા ૧૦૯ રન બનાવ્યા હતા. ડકવર્થ લુઇસ પદ્ધતિ આધારે આફ્રિકાને ૨૮  ઓવરમાં ૨૦૨ રન કરવાના હતા જે મુશ્કેલ ટાર્ગેટ હોવા છતાં આફ્રિકાએ બનાવી લીધા હતા. કેપટાઉન ખાતે ૭મી ફેબ્રુઆરીના દિવસે રમાયેલી છ વનડે મેચોની શ્રેણીની ત્રીજી મેચમાં ભારતે આફ્રિકા પર ૧૨૪ રને ભવ્ય જીત મેળવી હતી.કેપટાઉન મેચમાં વિરાટ કોહલીએ ફરી એકવાર વિરાટ બેટિંગ કરીને શાનદાર ૧૬૦ રન ફટકાર્યા હતા.  ચોથી ફેબ્રુઆરીના દિવસે સેન્ચુરિયન ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં  ભારતે દક્ષિણ આફ્રિકાને કચડી નાંખીને શાનદાર જીત મેળવી હતી. આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે ટકી શકી ન હતી અને ૩૨.૨ ઓવરમાં જ માત્ર ૧૧૮ રનમાં પેવેલિયન ભેગી થઇ હતી. જવાબમાં ભારતીય ટીમ જોરદાર બેટિંગ કરીને ૨૦.૩ ઓવરમાં જ ચેમ્પિયનની જેમ બેટિંગ કરતા એક વિકેટે ૧૧૯ રન બનાવીને મેચ જીતી લીધી હતી. પ્રથમ વનડે મેચમાં પણ ભારતે જીત મેળવી હતી. બીજી ટ્વેન્ટી મેચમાં હાર થયા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ પાસેથી ફરી એકવાર જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. મેચમાં પહેલા બેટિંગ કરવા માટે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી હતી. રોહિત શર્મા૧, શિખર ધવન ૨૪ અને વિરાટ કોહલી ૧ રન કરીને પેવેલિયન ભેગા થઇ ગયા હતા.

(12:51 pm IST)