Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન જેકબ માર્ટિન અકસ્‍માતમાં ઇજાગ્રસ્‍ત થતા તેની વહારે આવ્યા સૌરવ ગાંગુલી સહિતના ક્રિકેટરો

વડોદરાઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન માર્ટિનની વડોદરાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને હાલમાં તેઓ વેન્ટિલેટર પર છે. તેનું પાછલી 28મી ડિસેમ્બરે અકસ્માત થયો હતો. જેના કારણે ફેફસા અને લીવરમાં ઈજા પહોંચી હતી. બીસીસીઆઈએ સારવાર માટે 5 લાખ રૂપિયાની મદદ કરી છે. બરોડા ક્રિકેટ એસોસિયેશને પણ 3 લાખ રૂપિયાની મદદ કરી હતી. હવે પૂર્વ ભારતીય ક્રિકેટરની મદદ માટે ઝહિર ખાન, મુનાફ પટેલ, સૌરવ ગાંગુલી અને ટીમ ઈન્ડિયાના કોચ ઉપરાંત ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ જેવા ખેલાડીઓએ હાથ લંબાવ્યો છે.

જેકોબ માર્ટિને ભારત માટે 10 વનડે મેચો રમી છે. વનડે ક્રિકેટમાં તેણે 1999થી વેસ્ટઈન્ડીઝ સામે ડેબ્યૂ કર્યું હતું. ઉપરાંત તેમણે 138 ફર્સ્ટ ક્લાસ મેચો રમી છે, જેમાં તેણે 9192 રન બનાવ્યા અને તેની એવરેજ 47ની રહી. 46 વર્ષના માર્ટિને 10 વનડે મેચોમાં 22.57ની એવરેજથી 158 રન બનાવ્યા હતા. તેમણે ભારત માટે છેલ્લી વનડે મેચ 17 ઓક્ટોબર 2001માં કેન્યા વિરુદ્ધ રમી હતી.

ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે 28મી ડિસેમ્બરે જેકબ માર્ટિન પોતાના બાઈક પર જઈ રહ્યા હતા. ત્યારે કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. જે બાદ તેમને વડોદરાની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમિટ કરાવાયા હતા. ડોક્ટર્સ મુજબ તેમની સ્થિતિ હાલમાં ગંભીર છે અને બેથી ચાર અઠવાડિયા સુધી વેન્ટિલેટર પર રાખવા પડશે. તેમને હોસ્પિટલમાં રાખવાનો રોજનો ખર્ચ 70,000 રૂપિયા આવે છે. આ કારણે પરિવાર આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયો છે. થોડા દિવસો પહેલા જ તેમની પત્નીએ પત્ર લખીને BCCIને મદદ કરવા માટે અપીલ કરી હતી.

(5:14 pm IST)