Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

કોહલી કરતાં વધુ ખતરનાક છે રોહિત અને ધવન

આવતી કાલથી ભારત સામે શરૂ થનારી પાંચ વન-ડે પહેલાં ન્યુઝીલેન્ડના બેટ્સમેને ટીમને આપી ચેતવણી કાલે સવારે ૭:૩૦ વાગ્યે (ભારતીય સમય મુજબ) ભારત - ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ મુકાબલો

ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની પહેલી મેચ ૨૩ જાન્યુઆરીથી નેપિયરમાં રમાશે. દરમ્યાન ભારતીય ટીમ પાંચ વન-ડે અને ત્રણ વ્હષ રમશે. આ સિરીઝની શરૂઆત પહેલાં ન્યુ ઝીલેન્ડના અનુભવી બેટ્સમેન રોસ ટેલરનું માનવું છે કે ભારતીય ટીમ સામે ન્યુ ઝીલેન્ડના બોલરોની આકરી પરીક્ષા થશે. ઓસ્ટ્રેલિયાને વન-ડે અને ટેસ્ટ-સિરીઝમાં હરાવ્યા બાદ ભારતીય ટીમ ન્યુ ઝીલેન્ડમાં પણ પોતાના વિજયરથને યથાવત્ રાખવાનો પ્રયત્ન કરશે.

ટેલરે કહ્યું હતું કે કોહલી એક સારો ખેલાડી છે. કદાચ વન-ડેનો સૌથી શ્રેષ્ઠ બેટ્સમેન છે, પરંતુ કોહલી કરતાં પહેલાં રમનાર રોહિત શર્મા અને શિખર ધવનને આઉટ કરવા સરળ નથી. આ બન્ને ઓપનર ઘણા સારા છે. ટીમે માત્ર કોહલીને કઈ રીતે રોકવો એના પર જ નહીં પરંતુ આ ઓપનરોનો સામનો કઈ રીતે કરવો એ વિશે પણ વિચારવું જોઈએ.

ઓસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝમાં રોહિતે ૧૮૫ રન બનાવ્યા હતા. તે આ વન-ડે સિરીઝમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી રહ્યો હતો. જોકે ધવન આ સિરીઝમાં વધુ પ્રભાવિત કરી શકયો નહોતો. ટેસ્ટ-સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની ટીમે વિરાટ કોહલી પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જોકે ચેતેશ્વર પુજારા જ ઓસ્ટ્રેલિયા માટે માથાનો દુખાવો સાબિત થયો હતો. એથી જ આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે જ રોસ ટેલરે પોતાની ટીમના ખેલાડીઓને ચેતવણી આપી હતી.

(3:41 pm IST)