Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પાંચમી ટી-20માં વેસ્ટ ઈન્ડીઝને 61 રનથી હરાવ્યું : સિરીઝ 5-0થી કબ્જે

વેદ કૃષ્ણામૂર્તિને અડધી સદીની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદગી

મુંબઈ : ભારતીય મહિલા ટીમે પાંચમી ટી-૨૦ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને ૬૧ રનથી હરાવી ૫-૦ થી સીરીઝ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે ૨૦ ઓવરમાં ત્રણ વિકેટે ૧૩૪ રન બનાવ્યા હતા. જેના જવાબમાં યજમાન ટીમ સંપૂર્ણ ઓવર રમીને સાત વિકેટે માત્ર ૭૩ રન જ બનાવી શકી હતી. વેદ કૃષ્ણામૂર્તિને અડધી સદીની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી હતી.

   આ પહેલા ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી નહોતી. ઓપનર બેટ્સમેન શેફાલી વર્મા (૯) અને સ્મૃતિ મંધના (૭) ના વિકેટ જલ્દી પડી જવાના કારણે ભારતીય ટીમ મુશ્કેલીમાં જોવા મળી રહી હતી. અહીંથી જેમિમા રોડ્રિગ્સ અને વેદા કૃષ્ણામૂર્તિએ ટીમની જવાબદારી સંભાળી હતી. જેમિમા રોડ્રિગ્સે પચાસ રન બનાવ્યા હતા. વેદ કૃષ્ણામૂર્તિએ ૪૮ બોલમાં ૫૭ રનની અણનમ ઇનિંગ રમી ટીમનો કુલ સ્કોર ત્રણ વિકેટે ૧૩૪ રન સુધી પહોંચાડી દીધો હતો.

   ટાર્ગેટનો પીછો કરતા વેસ્ટ ઇન્ડીઝની શરૂઆત પણ સારી રહી નહોતી. નતાશા મેકલીન માત્ર ૯ રન બનાવી આઉટ થઈ હતી. ત્યાર બાદ કિશોના નાઈટે ૨૨ રન જરૂર બનાવ્યા પરંતુ આ પ્રયાસ અસફળ રહ્યો હતો. અન્ય બધી ખેલાડી બોલ રમતી ગઈ અને રન બનાવવામાં અસમર્થ રહી હતી. નીચલા ક્રમમાં શિમેન કેમ્પબેલે પણ ૧૯ રન બનાવ્યા પરંતુ ૨૦ ઓવરમાં ટીમ સાત વિકેટે ૭૩ રન સુધી પહોંચી શકી હતી. ભારત માટે અનુજા પાટિલે સૌથી વધુ ૨ વિકેટ લીધી હતી.

(1:13 pm IST)