Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ડીસેમ્બરમાં ટીમ ઇન્ડિયા આફ્રિકાના પ્રવાસેઃ ફ્રેબુઆરીમાં વિન્ડીઝની ટીમ ભારત આવશે

ટી-૨૦ વર્લ્ડકપ બાદ ન્યુઝીલેન્ડ ભારતમાં ૩ ટી-૨૦ અને ૨ ટેસ્ટ રમશેઃ બીસીસીઆઇનો શેડયુલ જાહેર

 નવી દિલ્હીઃ બીસીસીઆઇ દ્વારા ૨૦૨૧-૨૨ સિઝનમાં ટીમ ઇન્ડિયાના ઘરઆંગણે  રમાનારી મેચનું સમયપત્રક જાહેર કર્યું છે.  ભારતીય ટીમ નવેમ્બર ૨૦૨૧ થી જૂન ૨૦૨૨ સુધી દેશમાં ૪ ટેસ્ટ, ૩ વનડે અને ૧૪ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. બીસીસીઆઇના જણાવ્યા અનુસાર, ન્યૂઝીલેન્ડ (નવેમ્બર-ડિસેમ્બર), વેસ્ટ ઇન્ડીઝ (ફેબ્રુઆરી ૨૦૨૨), શ્રીલંકા (ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૨) અને દક્ષિણ આફ્રિકા (જૂન ૨૦૨૨) ની ટીમ આગામી આઠ મહિનામાં ભારતનો પ્રવાસ કરશે.

ભારતીય ટીમ ડિસેમ્બર ૨૦૨૧-જાન્યુઆરી ૨૦૨૨ માં દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે. ૨૦૨૨માં એપ્રિલ-મે  આઇપીએલ યોજાશે. ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ૨ ટેસ્ટ અને ૩ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમશે.  ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ સામે ૩ વનડે અને પાંચ ટી ૨૦ મેચ રમવાની છે. શ્રીલંકાની ટીમ ભારત પ્રવાસે બે ટેસ્ટ અને ત્રણ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમશે.  દક્ષિણ આફ્રિકાની ટીમનો ભારતીય પ્રવાસ ૧૦ દિવસનો હશે, જેમાં તેમને પાંચ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની છે.

  ટી ૨૦ વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સાથે ૩ ટી ૨૦ અને ૨ ટેસ્ટ મેચ રમશે.  પ્રથમ ટી ૨૦ મેચ જયપુરમાં રમાશે.  બીજી અને ત્રીજી મેચ રાંચી અને કોલકાતામાં રમાશે.  આ ત્રણ મેચ ૧૭ નવેમ્બરથી ૨૧ નવેમ્બર સુધી રમાશે.  ન્યૂઝીલેન્ડ સામે બે ટેસ્ટ મેચ કાનપુર અને મુંબઈમાં રમાશે.  પ્રથમ ટેસ્ટ મેચ ૨૯ નવેમ્બરથી શરૂ થશે અને બીજી ટેસ્ટ ૭ ડિસેમ્બરથી રમાશે.

વેસ્ટ ઇન્ડીઝની ટીમ ૬ ફેબ્રુઆરી ૨૦૨૨ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધી ભારત સાથે ૩ વનડે મેચ રમશે.  આ મેચ અમદાવાદ, જયપુર અને કોલકાતામાં રમાશે.  આ સિવાય બંને ટીમો વચ્ચે કટક, વિશાખાપટ્ટનમ અને ત્રિવેન્દ્રમમાં ત્રણ ટી ૨૦ મેચ રમાશે.  શ્રીલંકાની ટીમ ભારત રાઉન્ડમાં બે ટેસ્ટ મેચ રમશે.  આ મેચો બેંગ્લોર અને મોહાલીમાં રમાશે.  શ્રીલંકાની ટીમ ત્રણ ટી ૨૦ મેચ રમશે, જે મોહાલી, ધર્મશાળા અને લખનૌમાં યોજાશે.

  બીસીસીઆઈના  અધિકારીએ કહ્યું, અમે ૧૪ ટી ૨૦ મેચ રાખ્યા છે કારણ કે એક વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં બીજો વર્લ્ડ કપ યોજાવાનો છે. આ મોટી ઇવેન્ટ પહેલા પૂરતી સંખ્યામાં મેચો રમવાની જરૂર છે. 'ચાર ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડ સામે બે મેચ કાનપુર અને મુંબઇમાં રમાશે, જ્યારે શ્રીલંકા સામેની મેચ બેંગ્લોર અને મોહાલીને આપવામાં આવી.

(12:58 pm IST)