Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

IPL- 2020 : હૈદરાબાદને જીતવા બેંગ્લોરે આપ્યો 164 રનનો ટાર્ગેટ : ડેબ્યુમેન દેવદત્તે 56 રન માર્યા

ડીવિલિયર્સે 30 બોલમાં 51 રન ફટકાર્યા : દેવદત્ત પડ્ડીકલે એરોન ફિંચ સાથે પ્રથમ વિકેટની 90 રનની ભાગીદારી કરી

મુંબઈ :ઈન્ડિયન પ્રીમિયર લીગ-2020માં આજે ત્રીજો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે. બેંગ્લોરે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 163 રન બનાવ્યા હતા. દેવદત્ત પડ્ડીકલે 42 બોલમાં 56 રન અને ડીવિલિયર્સે 30 બોલમાં 51 રન બનાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ટી નટરાજન, અભિષેક શર્મા, વિજય શંકરને 1-1 વિકેટ મળી હતી.

ડેબ્યૂ મેચ રમી રહેલા દેવદત્ત પડ્ડીકલે એરોન ફિંચ સાથે પ્રથમ વિકેટની 90 રનની ભાગીદારી કરી હતી. આ દરમિયાન તેણે પોતાની અડધી સદી પૂરી કરીને રેકોર્ડ બનાવ્યો હતો. પડ્ડીકલે 42 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 56 રન બનાવ્યા હતા. . આરસીબી તરફથી ક્રિસ ગેઇલે 2011માં ડેબ્યૂ મેચમાં કોલકાતા સામે અણનમ 102 રન, 2011માં ડિવિલિયર્સે અણનમ 54, 2014માં યુવરાજ સિંહે અણનમ 52 રન બનાવ્યા હતા.

આ ઉપરાંત તેણે ડેબ્યૂ મેચમાં પણ શાનદાર દેખાવ કર્યો છે. 2018માં મહારાષ્ટ્ર સામે ફર્સ્ટ કલાસ ડેબ્યૂમાં 7 અને 77 રન, 2019મા લિસ્ટ એ મેચમાં ઝારખંડ સામે 58 રન, 2019માં ટી-20માં ઉત્તરાખંડ સામે અણનમ 53 રન અને 2020 આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 56 રનની ઇનિંગ રમી હતી.

બંને ટીમોની સીઝનમાં પ્રથમ મેચ હોવાથી જીત સાથે શરૂઆત કરવા માંગશે. બંને ટીમોમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું સંયોજન છે.

(10:40 pm IST)