Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

વર્લ્ડ ચેમ્પિયનશીપમાં એચ.એસ. પ્રનોયે પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન ચીનના લીન ડાનને હરાવ્યો

નવી દિલ્હી: વર્લ્ડ રેન્કિંગમાં ૩૦મો ક્રમાંક ધરાવતા ભારતીય બેડમિંટન ખેલાડી એચ.એસ. પ્રનોયે પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન એવા ચીની ખેલાડી લીન ડાનને ૨૧-૧૧, ૧૩-૨૧, ૨૧-૭થી બીજા રાઉન્ડમાં હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મેજર અપસેટ સર્જ્યો હતો. આ સાથે પ્રનોયે ચીનના લેજન્ડરી સુપરસ્ટાર સામે કારકિર્દીનો ત્રીજો વિજય મેળવ્યો હતો અને તે ડાન સામે ત્રણ મેચ જીતનારો ભારતનો સૌપ્રથમ ખેલાડી બની ગયો હતો. ૧૧મા ખેલાડી તરીકે રમી રહેલા લીન ડાન સામે પ્રનોયે અત્યંત પ્રભુત્વસભર રમત દર્શાવી હતી અને એક કલાક અને બે મિનિટના મુકાબલામાં જીત હાંસલ કરતાં ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. અગાઉ પુલેલા ગોપીચંદ પણ ડાન સામે બે વિજય મેળવી ચૂક્યો હતો. જોકે પ્રનોયે આ જીત સાથે ગોપીચંદને પાછળ રાખી દીધો હતો. નોંધપાત્ર છે કે, પ્રનોય અગાઉ ૨૦૧૮ની ઈન્ડોનેશિયા ઓપન અને ૨૦૧૫ની ફ્રેન્ચ ઓપનમાં પણ ડાનને હરાવી ચૂક્યો છે. પ્રનોય ડાન સામે ચારમાંથી ત્રણ મેચ જીત્યો છે અને ૧માં તેને હારનો સામનો કરવો પડયો હતો. ભારતની મહિલા ખેલાડીઓ સાયના નેહવાલ અને પી.વી. સિંધુને પ્રથમ રાઉન્ડમાં બાય મળી હતી. હવે તેઓ આવતીકાલે બુધવારે કારકિર્દીનો પ્રથમ મુકાબલો ખેલશે. વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપના બીજા રાઉન્ડના મુકાબલામાં પ્રનોયે ડાન સામે પ્રથમ ગેમમાં આસાન જીત હાંસલ કરી હતી. જોકે બીજી ગેમમાં ડાને જોરદાર કમબેક કરતાં મેચને બરોબરી પર લાવી દીધી હતી. આખરે ત્રીજી અને નિર્ણાયક ગેમમાં પ્રનોયે મેચ પર પકડ મેળવી લીધી હતી અને બ્રેકના સમયે છ પોઈન્ટની સરસાઈ હાંસલ કરી હતી. જે પછી આખરે ૨૧-૭થી ગેમ અને મેચ જીતી લીધી હતી ભારતની મહિલા ડબલ્સ જોડી - અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીની જોડીને પ્રથમ રાઉન્ડમાં તાઈપેઈની ચાંગ ચિંગ  હુઈ અને યાંગ ચિંગ ટુન સામે બાય મળી હતી. હવે ભારતીય જોડીનો સામનો સાતમો સીડ ધરાવતી ચીની જોડી - ડુ યેઈ અને લી યીન હુઈ સામે થશે.

(5:31 pm IST)